
રાજેશ વસાવે :- દાહોદ
*કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો*
*કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા આવેલ અરજદારો દ્વારા આવેલ તમામ પ્રશ્નોના જલ્દી નિકાલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને અપાઈ સૂચના*
દાહોદ તા. 27
દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે, જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત તથા ચોથા ગુરુવાર પહેલાના બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીશ્રીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન અરજદારો દ્વારા ૧૪ જેટલી વિવિધ પ્રકારના પ્રશ્નોની અરજી આવેલ હતી. જેમાંથી ૯ જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમની રજુઆતો કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ રૂબરૂ અને વ્યક્તિગત સાંભળી હતી.
આ દરમ્યાન પોલીસ કેસને લગતા પ્રશ્નો, જમીનના હક બાબત, લેન્ડ ગ્રેબિંગ, બિનખેતી જમીન, જૂની શરતની જમીનમાં સુધારણા બાબત, ક્ષતિ સુધારણા બાબત, જમીન ખાલસા બાબત, સહકારી મંડળીને કામ આપવા બાબત, જી. પી. એફ. ના બાકી નાણાં બાબત પ્રશ્ન તેમજ લારી – ગલ્લાના દબાણ બાબતના પ્રશ્નોની રજુઆતો કરવામાં આવી હતી.
કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા આ દરમ્યાન આવેલ તમામ અરજીઓને ધ્યાને લઇને આ અરજીઓને પ્રાધાન્ય આપીને ઝડપથી કાર્યવાહી કરીને નિકાલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ રાવલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦