બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના એક ગામડાની સગીર કિશોરીનું અપહરણ થતાં દાહોદ પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત*
*અપહરણનો શિકાર બનેલી કિશોરીના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં 15 દિવસ અગાઉ લેખિત ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતા રજૂઆત કરાઈ*
સુખસર,તા.27
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાંથી સમયાંતરે સગીર કિશોરીઓના અપહરણ કિસ્સા દિન પ્રતિદિન વધતા જાય છે.અને જે બાબતે કેટલાક કિસ્સાઓ સમાજમાં બની બેઠેલા આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશન સુધી જતા પહેલા દંડ પેટે નાણા લઈ રફેદફે કરી દેવામાં આવતા હોય છે.જ્યારે કેટલાક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.ત્યારે આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે ફરિયાદીને ધમકાવવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના એક ગામડાની 15 વર્ષ 7 માસની કિશોરીનું અપહરણ થતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ લેખિત ફરિયાદ આપ્યા બાદ 15 દિવસનો સમય વીતી જવા છતાં સુખસર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા આખરે આજરોજ દાહોદ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકના એક ગામડાની 15 વર્ષ 7 માસની કિશોરી ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી.અને તે ઘરેથી શાળા સુધી દરરોજ અપડાઉન કરતી હતી.તેવી જ રીતે ગત તારીખ 11/12/2024 ના રોજ સવારના 7:00 વાગ્યાના અરસામાં ઘરેથી શાળાએ જવા નીકળેલ હતી.જ્યારે દરરોજ આ કિશોરી બપોરના 1:00 વાગ્યાના અરસામાં શાળામાંથી છૂટી પરત ઘરે પહોંચી જતી હતી.પરંતુ તે દિવસે મોડે સુધી કિશોરી ઘરે નહીં પહોંચતા તેની શોધ ખોળ કરવામાં આવી હતી.પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.ત્યારબાદ તારીખ 15/12/2024 ના રોજ કિશોરીના ઘરના સભ્યો કિશોરીની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન જાણવા મળેલ કે કિશોરીને કિશોરીના ગામના જ ત્રણ લોકોની મદદગારીથી સુખસર પાસે આવેલ મોટા નટવા ગામનો કિશોર અપહરણ કરી ગયો હોવાની જાણ થતા કિશોરીના પિતાએ તારીખ 15/12/2024 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં જઈ લેખિત ફરિયાદ આપતા પોલીસે જણાવેલ કે તમારી છોકરી તમોને મળી જશે તેવું આશ્વાસન આપી મોકલી દીધેલા હતા.
ત્યારબાદ બે દિવસ જતા કિશોરીના પિતા સુખસર પોલીસ સ્ટેશનમાં આપેલ અરજીની તપાસ કરવા જતા બિટ જમાદાર દ્વારા જણાવેલ કે,તમોએ જે દિવસે અરજી આપી તે જ દિવસે તમારે એફ.આઈ.આર દાખલ કરાવી દેવાની હતી.હવે કોઈ ગુનો દાખલ થશે નહીં અને વધુ કાંઈ કરશો તો તમોને જ અંદર કરી દઈશુંની ધમકી આપવામાં આવી હોવાની પોલીસ અધિક્ષક સમક્ષ કરવામાં આવેલ રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
*પોલીસ દ્વારા 15 દિવસ સુધી કોઈ કાર્યવાહી નહીં કરાતા અમોએ દાહોદ જિલ્લા એસ.પી સાહેબને રજૂઆત કરી છે*
સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપ્યા બાદ અમોએ અનેકવારના ધક્કા ખાધા છે.પરંતુ આજ દિન સુધી સુખસર પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી. અને અમો પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ત્યારે અમોને અંદર કરવાની ધમકી આપે તેમજ હાલ મારી પુત્રી અપહરણકર્તા ઓના કબજામાં છે.તેમ છતાં પોલીસ દ્વારા અમારી પુત્રીની શોધખોળ કરી કબજો સોપાવ્યો નથી કે આરોપીઓની સામે કોઈ કાર્યવાહી નહીં કરાતાં અમારે ના છૂટકે પોલીસવડાને રજૂઆત કરવાની જરૂરત પડેલ છે.
*(અપહરણનો ભોગ બનેલી સગીર કિશોરીના પિતા)*