રાજેશ વસાવે :- દાહોદ
દેવગઢ બારીયાના હિન્દોલીયા ગામમાં આગનો બનાવ, મકાનમાં રહેલો લગ્નપ્રસંગનો સામાન અને દાગીના બળી ગયા..
દાહોદ તા.10
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના હિન્દોલીયા ગામે એક રહેણાંક મકાનમાં આકસ્મિક આગ લાગતાં મકાનમાં મુકી રાખેલ ઘરવખરીનો સામાન, રોકડ રૂપીયા, ચાંદીના દાગીના, લગ્ન પ્રસંગોનો સામાન તેમજ બકરા વિગેરે બળીને ખાખ થઈ જતાં આગમાં અંદાજે રૂા. 2,50,000/-નું નુકસાન થયાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીઆના હિન્દોલીયા ગામે મોટુ ફળિયામાં રહેતાં શુકલાભાઈ હીરાભાઈ ભીલના રહેણાંક મકાનમાં કોઈક કારણોસર આકસ્મિક આગ લાગી ગઈ હતી. જાતજાતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આગ લાગતાંની સાથે ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરતાં પરંત ગ્રામજનો આગ ઉપર કાબુ મેળવવામાં ગ્રામજનો નિષ્ફળ નિવડતાં આગ અંગેની જાણ સ્થાનિક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવી હતી. ફાયર ફાઈટરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં સંપૂર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું જેને પગલે મકાનમાં મુકી રાખેલ અનાજ, ઘરવખરીનો સામાન, કપડા, રોકડા રૂપીયા, ચાંદીના દાગીના, લગ્ન પ્રસંગનો સામાન તેમજ ઘરની અંદર બાંધી રાખેલ બકરા વિગેરે બળી ગયાં હતાં જેને પગલે આગમાં અંદાજે રૂા.2,50,000/-નું નુકસાન થવા પામ્યું હતું. આ સંબંધે શુકલાભાઈ હીરાભાઈ ભીલે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.