જીગ્નેશ બારીયા :- દાહોદ
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે… ઝાલોદમાં વિદેશ જવાની લાલચમાં યુવકે 82 હજાર ઉપરાંતની રકમ ગુમાવી
ઝાલોદના વ્યક્તિને ફેસબુક ધારકે લંડન લઇ જવાની લાલચ આપી કસ્ટમ ડ્યૂટીનો બહાનો ધરી જુદા જુદા બેંક બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવી છેતરપિંડી કરી
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક વ્યક્તિને લંડન લઈ જવાના બહાને ફેસબુક એકાઉન્ટના ધારકે વિશ્વાસમાં લઈ કસ્ટમ ડ્યુટી પેટે અલગ – અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂા.૮૨,૧૫૦ની છેતરપીંડી કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે ઠગાઈનો ભોગ બનેલ ઝાલોદના વ્યક્તિએ કુલ ચાર જણા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં અવાર નવાર ઓનલાઈન ફ્રોડ તેમજ ઠગાઈના કિસ્સાઓ સામે આવે છે. અગાઉ પણ ઘણા એવા કિસ્સાઓ ઝાલોદ તાલુકામાંથી સામે આવ્યાં હતાં જેમાં ગીફ્ટની લાલચે, કેબીસીના નામે, બેન્ક ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સહિત લોભામણી વાતોમાં અજાણ્યા ભેજાબાજ ઈસમો પોતાનો કસબ અજમાવી પ્રજાને નિશાન બનાવી લાખ્ખો રૂપીયાની ઓનલાઈન ફ્રોડ કર્યાના કિસ્સાઓ સામે આવ્યાં હતાં. આ કિસ્સામાં ઘણા તો એજ્યુકેટેડ લોકો પણ આવી લોભામણી વાતોમાં આવી પોતાના લાખ્ખો રૂપીયા ગુમાવી દેતાં હોય છે ત્યારે કહેવત પ્રમાણે જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તેવા ઘાટ પણ સર્જાયો છે. ઝાલોદ નગરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લુહારવાડામાં રહેતાં યશરાજ રાજેશકુમાર રાઠોડને ગત તા.૦૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ જેસીકા ક્રિસ્ટન નામની વ્યક્તિએ પોતાના ફેસબુક લીંગ યુઝર મારફતે યશરાજભાઈનો સંપર્ક કર્યાે હતો અને તેઓને લંડન લઈ જવાના બહાના હેઠળ વિશ્વાસમાં લીધા હતાં. આ દરમ્યાન લીવીંગ પ્રુફ માટે કુરીયર છોડાવવા તથા કસ્ટમ ડ્યુટી પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂા.૮૨,૧૫૦ યશરાજભાઈ પાસેથી પડાવી લીધા હતાં. આ બાદ યશરાજભાઈને પોતાની સાથે વિશ્વાસઘાટ અને ઠગાઈ થયો હોવાનો અહેસાસ થતાં તેઓ આ સંબંધે જેસીકા ક્રિસ્ટન, એક કુરીયરની લીંક યુઝર, પંજાબ એન્ડ સિંધ બેન્કના એક એકાઉન્ટ ધારક, એક મોબાઈલ નંબર ધારક અને રોયલ સ્માર્ટ કુરીયરના એચ.ડી.એફ.સી. બેન્કના ધારક મળી કુલ પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
—————————–