
ફતેપુરામાં ડીજેના અવાજ તેમજ બીભત્સ ગીતો પર અંકુશ મૂકવા આદિવાસી વાલ્મીક ઉત્કર્ષ મંડળ દ્વારા રજૂઆત
ફતેપુરા તા. ૨૭
ફતેપુરા મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકા આદિવાસી વાલમીક ઉત્કર્ષ મંડળ દ્વારા ફતેપુરા મામલતદારને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે ફતેપુરા તાલુકામાં ડીજે ના ઘોઘાટ ભર્યા અવાજ તેમજ બીભત્સ ગીતો પર અંકુશ મૂકીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ માંગણી કરાઇ છે.તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકામાં આદિવાસી વાલ્મીક ઉત્કર્ષ મંડળ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરવા જનજાગૃતિ અભિયાન ચાલી રહેલ છે,ગામેગામ સમાજ પંચની રચના થઈ રહેલ છે,નવું સામાજિક બંધારણ અમલમાં આવી રહેલ છે, સમાજ પંચ દ્વારા ડીજે ને પણ બંધ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે,જેનો ખૂબ સારી રીતે અમલ થઈ રહ્યો છે.પરંતુ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સામાજિક અભિયાનનો વિરોધ કરી આવા લોકહિત પ્રવૃત્તિને રોકી રહેલ છે.તયારે સમાજ ખર્ચાળ લગ્ન વ્યવહારોને કારણે દેવાદાર અને ગરીબીમાં ધકેલાઈ રહ્યો છે બાળકો સારી રીતે શિક્ષણ પણ લઈ શકતા નથી.
તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શાળાના સમયે તથા મોડી રાત સુધી ડીજે પર મોટા અવાજે ગીતો વગાડવામાં આવે છે જેના કારણે લોકો શાંતિથી ઊંઘી શકતા નથી અને બાળકોને અભ્યાસમાં પણ ખલેલ પહોંચે છે જે સમાજ માટે ખૂબ જ નુકસાન કારક છે જેથી આ બાબતે ફતેપુરા તાલુકામાં ડીજે ના ઘોંઘાટ ભર્યા અવાજ તેમજ બિભત્સ ગીતો પર અંકુશ મૂકીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓએ ફતેપુરા મામલતદાર લેખિત રજૂઆત કરી છે. આ બાબતે ફતેપુરાના મામલતદાર એન.એસ. વસાવાએ તેઓની રજૂઆત ધ્યાન પૂર્વક સાંભળીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.