બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નાની ઢઢેલીમાં બોલેરો-બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનને માથામાં ગંભીર ઇજા
ઇજાગ્રસ્ત પતિ પત્નીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લવાયા
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકાના નાની ઢઢેલીમાં આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં નીંદકા પૂર્વનુ કપલ ઢઢેલા તરફથી પરત સુખસર તરફ આવી રહ્યું હતું તેવા સમયે સુખસર તરફથી ઢઢેલા તરફ જતા માર્ગ ઉપર નાની ઢઢેલી ગામે બોલેરો ચાલકની ગફલતના કારણે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક યુવાનને માથામાં તથા મોઢા ઉપર જ્યારે મહિલાને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામના વિશાલભાઈ વેચાતભાઈ મછાર ઢઢેલા તરફથી મોટર સાયકલ ઉપર તેમના પત્ની ગીતાબેન સાથે પરત ઘરે જવા આવી રહ્યા હતા.તેવા સમયે સુખસર થી ઢઢેલા તરફ જતા નાની ઢઢેલી ગામે પ્રાથમિક શાળા પાસે સામેથી આવતા બોલેરો ચાલકે તેના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી વિશાલભાઈના કબજાની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા વિશાલભાઈ મછારને માથામાં તથા મોઢા ઉપર ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જ્યારે ગીતાબેન મછારને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુખસર ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતાં પાયલોટ રાજપાલસિંહ ચૌહાણ તથા ઇ.એમ.ટી લીલાબેન વાગડીયા નાઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને ઈજા ગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. વિશાલભાઈ મછારને વધુ ઇજા હોય અન્ય દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.