
દાહોદ-ઝાલોદ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત…
વરોડ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત,પરીવારજનોમાં માતમ છવાયો
ઝાલોદ તા.17
ઝાલોદ તાલુકાના લીમડી નજીક વરોડ ગામે હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ચાલકને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકામાંથી પસાર થતા ઝાલોદ-લીમડી હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા આ હાઇવે ધીમે ધીમે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે.ત્યારે આજે પણ આ હાઇવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં લીમડી નજીક વરોડ ગામે હાઇવે ઉપર એક બાઈક ચાલક પોતાના કબજા હેઠળની બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ હાઇવે પરથી પૂર ઝડપે પસાર થતા અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક બાઈક સાથે જમીન પર પટકાતા બાઈક ચાલકને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેના પગલે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવની જાણ લીમડી પોલીસને થતા લીમડી પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનાર બાઇક ચાલકના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.