ધાનપુર તાલુકાના નાની મલુ ગામે ઘરના આંગણામાં રમતી 8 વર્ષીય બાળકી શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ…
મોઢે, બંને હાથે, બંને પગે અને શરીરે ઇજા – સારવાર માટે ઝાયડસ ખસેડાઇ
ધાનપુર તા.13
ધાનપુર તાલુકાના નાનીમલુ ગામે પરોઢે ઘર આંગણે રમતી 8 વર્ષિય બાળકી ઉપર શ્વાને તૂટી પડીને તે ફાડી નાખી હતી.આ હુમલામાં બાળકીને આખા શરીરે મોટા ઘા પડી જતાં ગંભીર ઇજાને કારણે તેને સારવાર માટે દાહોદની ઝાયડસમાં ખસેડવામાં આવી હતી.
ધાનપુર તાલુકાના નાનીમલુ ગામના નિશાળ ફળિયામાં રહેતી 8 વર્ષિય રાજન મુકેશ સંગાડિયા સવારના સાત વાગ્યે તેના ઘરના આંગણે રમી રહી હતી. તે વખતે ધસી આવેલા શ્વાને રાજન ઉપર હુમલો કરી દીધો હતો.જેમાં શ્વાને રાજનને મોઢે, માથે, બંને હાથે, બંને પગે અને શરીરે તેણે બચકાં ભરતાં મોટા ઘા પડી ગયા હતાં. આ વખતે અન્ય એક છોકરીએ પથ્થરો મારતાં શ્વાન ભાગી છુટ્યો હતો. 108 દ્વારા રાજનને નજીકના દવાખાને ખસેડી હતી. જોકે, ઇજાઓ ગંભીર હોવાને કારણે તેને દાહોદના ઝાયડસ ખાતે લવાઇ હતી. શ્વાન હડકાયેલો હતો કે નહીં તે જાણવા મળ્યુ નથી. જોકે, આ ઘટનાથી આખા ગામના લોકોમાં દહેશત ફેલાઇ ગઇ હતી.