મહેન્દ્ર ચારેલ :- સંજેલી
નારી વંદન ઉત્સવ” સંજેલી ખાતે “મહિલા નેતૃત્વ” દિવસની ઉજવણી કરવામાં આવી.
સમાજનો અડધો હિસ્સો સ્ત્રીઓનો છે, છતાં પણ તેની અવગણના કરવામાં આવી રહી છે.
સંજેલી તા.03
“નારી વંદન ઉત્સવ” અંતર્ગત પર સંજેલી તાલુકા ખાતે પ્રજાપતિ સમાજની વાડી પર “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી કરવામા આવી. દહેજ પ્રતિ બંધક અધિકારી શ્રી પી.આર પટેલેએ જણાવ્યું હતુ કે સમાજના વિકાસમાં પુરૂષો જેટલુ જ મહત્વ સ્ત્રીઓનું છે, સમાજના તમામ પાત્રો સાથે જોડાય સારા બીજ રોપે તેવા હેતુથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારનો ઉમદા હેતુ છે કે, સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ વધે, જે સમાજમાં મહિલાઓનુ યોગદાન વધારે હોય તે જ સમાજ ખરેખર શ્રેષ્ઠ ગણી શકાય. સમાજનો અડધો હિસ્સો સ્ત્રીઓનો છે, છતાં પણ તેની અવગણના કરવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણ ઉજવવાનો હેતુ સ્ત્રી પોતાના હક્કોથી જાગૃત બને અને તેમના પર થતા અન્યાયનો સામનો કરી પોતાના જીવનની દિશા અને ધ્યેય નક્કી કરી પોતાનુ સમાજ જીવન યોગ્ય રીતે જીવી શકે.સમાજ વ્યવસ્થાના ભાગરૃપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ. એક અભ્યાસ મુજબ પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓનો સ્વનિર્ભર થવાની બાબતમાં આંક ઊંચો છે તેવું તારણ નીકળ્યું છે. આવનારા દિવસોમાં દરેક મહિલાઓને સ્વનિર્ભર થવાની તક ઊભી થઈ છે અને કુટુંબમા તેમજ રાષ્ટ્રમાં ઉપયોગી મહિલાઓનું નેતૃત્ત્વ વધે તે માટે રાજ્યસરકાર કટીબદ્ધ છે.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારી તથા કર્મચારીશ્રીઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની બહેનો, આરોગ્ય વિભાગનો સ્ટાફ,શાળાની શિક્ષિકાઓ તેમજ ગંગા સ્વરૂપા બહેનો, મહિલા શીવણ તાલીમ વર્ગની બહેનો અને કિશોરીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા નેતૃત્વની થીમ પર નાટક ભજવવામાં આવ્યું. શ્રી પી.આર.પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીના હસ્તે મહિલા શીવણ તાલીમ વર્ગમાં તાલીમ લીધેલ કિશોરીઓ તથા મહિલાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહીત કરવામા આવ્યા. તેમજ શિક્ષિકા તથા નર્સ બહેનોને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું..