બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીટોનેટર કેપ તથા જીલેટીન જેવા વિસ્ફોટકોનો બિન રોકટોક થતો ઉપયોગ:જવાબદાર તંત્ર દ્વારા તપાસ આવશ્યક.*
પરપ્રાંતીય પાર્સિંગના ટ્રેક્ટરો બે રોકટોક બોર્ડર ઉપરથી ડ્રીલીંગ મશીનો સાથે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે.
ડ્રિલિંગ કામગીરીમાં ઉપયોગમાં લેતા પરમિટ ધારકો દ્વારા પણ નીતિ નિયમોનુ છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.30
ફતેપુરા તાલુકામાં જીલેટિન અને ડીટોનેટર કેપ જેવા વિસ્ફોટક પદાર્થોનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.ક્યારેક પોલીસ દ્વારા એકાદ બે ટ્રેક્ટર ઝડપી પાડી માનસિક હાશકારા રૂપે કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય છે.જ્યારે મોટાભાગના ડ્રિલિંગ મશીનો સાથેના ટ્રેક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં બે રોકટોક ડીટોનેટર કેપ તથા જીલેટીનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્ફોટક પદાર્થોનો થઈ રહેલા ઉપયોગ બાબતે લાગતા- વળગતા તંત્રો દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.
ફતેપુરા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજસ્થાનમાંથી આવતા પરપ્રાંતીય પાસિંગના ટ્રેકટરો બે રોકટોક બોર્ડરો ઉપર થી ડ્રિલિંગ મશીનો સાથે પ્રવેશી રહ્યા છે.ફતેપુરા તાલુકાની બોર્ડર ઉપરથી છેક ગુજરાત સુધી ફરતા થતા આ ટ્રેક્ટરરો દ્વારા કુવામાંથી પથ્થરો તોડવા સહિત ડુંગરાળ પથ્થરો પણ તોડવાના ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.ખરેખર આ ટ્રેક્ટરો ઉપર ફીટ કરવામાં આવતા કોમ્પ્રેસર મશીનો ફીટીંગ કરતા પૂર્વે વાહન વ્યવહાર કચેરીમાં પાસિંગ કરાવવામાં આવતું હોય છે.ત્યારબાદ બે રોકટોક ગુજરાતમાં ભલે પરમીટ ધરાવતા હોય કે ન હોય પણ આ ટ્રેક્ટરના માલિકો ધંધો શરૂ કરી દેતા હોય છે.
જોકે હાલ ફતેપુરા તાલુકામાં ઉપરોક્ત જણાવેલ સ્ફોટક સામગ્રી સાથે અનેક ટ્રેક્ટરો બિન રોકટોક ફરી રહ્યા છે.જેથી આ સામગ્રી સાથે તેનો વપરાશ કરતા ઈસમો પાસે લાયસન્સ છે કે કેમ?તેની તપાસ પણ આવશ્યક છે.આ સ્ફોટક સામગ્રીનો ઉપયોગ કુવાઓમાં બ્લાસ્ટ કરવા વપરાય છે.પરંતુ જો તેનો ભાગ ફોડીયા તત્વો દૂર ઉપયોગ કરે તો ભયંકર પરિણામ આવી શકે તેમ પણ છે. જેથી આવા બિન કાયદેસર સ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરતા ઈસમોની તપાસ હાથ ધરી ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી જણાય છે.
ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ફરતા આ ટ્રેક્ટરોને વિસ્ફોટક સામગ્રી પણ બોર્ડરની નજીકના શહેરોના વેપારીઓ દ્વારા હોમ ડિલિવરી મારફતે પહોંચાડવામાં આવતા હોય છે.કિંમતમાં સસ્તા આ સ્ફોટક પદાર્થો ક્યારેક કોઈકની મહામૂલી જિંદગીને મોતના ખપ્પરમાં પહોંચાડવા માટે સીમિત થઈ પડતા હોય છે.દાહોદ જિલ્લામાં અગાઉ કેટલીક વાર કુવામાંથી પથ્થરો તોડતા રાહદારીઓને ઇજાઓ પહોંચી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા.પરંતુ નાણાં કોથળીના જોરે અને વહીવટી તંત્રના મેળાપીપણાથી આ ડ્રીલીંગ ટ્રેક્ટરોવાળા બધું જ સમેટી લેતા હોય છે. તેમજ કેટલાક આવા કિસ્સા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વિસર્જન પામી જતા હોય છે.
જોકે આ ડ્રીલીંગ ટેકટરો વાળા શહેરી વિસ્તારમાં જ રહેતા હોવા સહિત ખુલ્લેઆમ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા હોવાથી પોલીસની નજરથી દુર તો નથી પરંતુ તંત્ર દ્વારા કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?તે પણ એક વિચારવા જેવી બાબત છે.પથ્થર તોડવાના ઉપયોગમાં લેવાતા આ વિસ્ફોટકો નો ઉપયોગ કરવામાં આવતો હોય સામાન્ય ચીજ વસ્તુની જેમ આ પદાર્થો સરળતાથી બજારોમાં ચોક્કસ વેપારીઓ પાસેથી પ્રાપ્ત થઈ જતા હોય છે.વિસ્ફોટક પદાર્થો સાથે બિન રોકટોક દોડી રહેલા પરમિટ ધારકો દ્વારા પણ નીતિ નિયમોનું છડેચોક ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે.વિસ્ફોટકોની સલામતી અંગેનું જરા પણ ધ્યાન રાખવામાં આવતું નથી.અને માત્ર પાંચનુ પરમીટ હોય ત્યાં પચાસ નંગ બિન્દાસ પણે જાહેરમાં સાથે લઈ પરમીટ ધારકો પણ ફરી રહ્યા છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી આડેધડ વપરાતા અને વેપલો થતા વિસ્ફોટકોની તપાસ કરવામાં આવે તો વિસ્ફોટકો ક્યાંથી?કેવી રીતે?અને કોના દ્વારા આવી રહ્યા છે?તેનો પર્દાફાસ થઈ શકે તેમ છે.