
યાસીન ભાભોર :- ફતેપુરા
સંતરામપુર-બાસવાડા એસ.ટી. બસના ગુલ્લેબાજ ડ્રાઇવર કંડકટરને સસ્પેન્ડ કરાયા.
બંનેનો અડધો પગાર ચાલુ રહેશે.ડ્રાઇવરે હાલોલ ડેપો ખાતે અને કંડક્ટરે બારીયા ડેપો ખાતે સવારે 8:30 થી સાંજના પાંચ વાગ્યા સુધી હાજરી આપવાની રહેશે.
ફતેપુરા તા.17
તારીખ 15મી એપ્રિલ 2023 ના રોજ સંતરામપુર થી ફતેપુરા થઈ બાસવાડા જતી એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરે ફતેપુરા થી બાસવાડા જતા મુસાફરોને આ બસ બાસવાડા જશે નહીં તેમ કહીને બસમાં બેસવા દીધા ન હતા.જેના પગલે મુસાફરોએ ફતેપુરા એસ ટી બસ સ્ટેશનના કંટ્રોલર ને આ બાબતની જાણ કરી હતી.જેથી ફતેપુરા એસ ટી બસ સ્ટેશન ના કંટ્રોલરે સંતરામપુર એસ ટી ડેપો મેનેજર ને આ બાબતની જાણ કરી હતી.
આ તમામ બાબતોના અહેવાલો અમારા માધ્યમમાં પ્રસારિત થયા હતા જેના પગલે સંતરામપુર એસટી તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક આ ડ્રાઇવર અને કંડકટરની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન તારીખ 15 મી એપ્રિલના રોજ આ બસના ડ્રાઇવર અને કંડકટર ફતેપુરા થી બાસવાડા જવા નીકળ્યા તો હતા પરંતુ બાસવાડા ગયા જ ન હતા અને બાગીદોરા થી પરત ફતેપુરા આવી ગયા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.
જેના પગલે સંતરામપુર એસટી ડેપો મેનેજરે તાત્કાલિક પગલાં લઈને ડ્રાઇવર રમેશભાઈ કાળુભાઈ ખાટ અને કંડકટર પટેલ ખેમાભાઈ દેવાભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે અને સસ્પેન્શન દરમિયાન આ બંનેનો અડધો પગાર ચાલુ રહેશે અને ડ્રાઇવરે હાલોલ એસટી ડેપો ખાતે અને કંડક્ટરે બારીયા એસટી ડેપો ખાતે સવારે 8:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી હાજરી આપવાની રહેશે તેવો હુકમ સંતરામપુર એસટી ડેપો મેનેજરે કર્યો છે.