બાબુ સોલંકી ફતેપુરા
*ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી દૂધ મંડળીના તાળા તોડી 70,000 ના સાધનોની ચોરી કરી તસ્કરો પલાયન.*
ધી નાની ઢઢેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તાળા તોડી કોમ્પ્યુટર,સી.પી.યુ,ઇન્વેટર તથા કી-બોર્ડની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.7
ફતેપુરા તાલુકામાં અવાર-નવાર શાળાઓમાં કોમ્પ્યુટર ચોરીના બનાવો બનતા રહ્યા છે.જે પૈકી કેટલાક તસ્કરો સુધી પોલીસ પહોંચી શકી છે.જ્યારે કેટલીક કોમ્પ્યુટર ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો શિફત પૂર્વક પોલીસથી બચતા રહ્યા છે.જેના લીધે તસ્કરો સમયાંતરે પોતાનો કસબ અજમાવી રહ્યા છે.જેમાં વધુ એક કોમ્પ્યુટર ચોરીનો બનાવ ગુરૂવાર રાત્રિના નાની ઢઢેલી ખાતે આવેલ દૂધ મંડળીમાં બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ખાતે રહેતા ભીખાભાઈ વાલાભાઈ ભેદી ધી નાની ઢઢેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે. અને પોતાના રહેણાંક મકાનથી આશરે 200 મીટર દૂરના અંતરે ડેરીનું મકાન આવેલું છે.જ્યાં સવાર-સાંજ પશુપાલકો દૂધ ભરવા માટે આવતા હોય છે.દૂધ ડેરીમાં કોમ્પ્યુટર સિસ્ટમની આવશ્યકતા હોય આ ડેરીમાં કોમ્પ્યુટર રાખવામાં આવેલ હતું.ભીખાભાઈ ભેદી ગત રોજ રાત્રિના 7:30 વાગ્યાના અરસામાં દૂધ ડેરીની કામગીરીથી પરવારી ડેરીને તાળા મારી ઘરે ગયા હતા.ત્યારબાદ આજરોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં ડેરી ઉપર આવતા ડેરીના મકાનનુ તાળું તૂટેલું નજરે પડ્યું હતું.જ્યારે આ ડેરીની અંદર રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સી.પી.યુ,ઇન્વેટર તથા કી-બોર્ડ જોવા મળેલ નહીં અને જેની તપાસ કરતા ડેરીના તાળા તોડી કોઈ જાણ ભેદુ તસ્કરોએ આ કોમ્પ્યુટર સાધનોની ચોરી કરી હોવા બાબતે પાકી ખાતરી થતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.અને જણાવવામાં આવ્યું હતું કે,ઉપરોક્ત કોમ્પ્યુટર સાધનોની ચોરી થતા ડેરીને આશરે રૂપિયા 70,000 જેટલાનુ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત ચોરી બાબતે ડેરીના ચેરમેન ભીખાભાઈ ભેદીએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક દૂધ ડેરી ઉપર જઈ તપાસ હાથ ધરી અજાણ્યા તસ્કરોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની અને આ ચોરીમાં સંડોવાયેલા તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.