
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં વર્ષાઋતુની છડી પોકારતા સીબી ક્લાઉડ
તારીખ ૪થી ૬ દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં તારીખ ૦૬ સુધીમાં હળવાથી ભારે વરસાદની આગાહી અગાઉ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદી ઝાપટાં વચ્ચે દાહોદ જિલ્લાના ઘણા નાના મોટા ગામો સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે કતવારા ગામે એક કલાક સારો વરસાદ વરસ્યો હતો અને જેને પગલે કતવારા ગામમાં લાઈટો ડુલ થઈ જવાની પરિસ્થિતી પણ સર્જાઈ હતી.
વર્ષાઋતના દહાડા નજીક આવ્યાં હોવાથી છડી સીબી ક્લાઉડે પોકારી છે. નૈઋત્યનું ચોમાસું કેરળ નજીક પહોંચી રહ્યું છે. તેની અસર સ્વરૂપે સમગ્ર દાહોદ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં આગામી તા. ૬ સુધીમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી હતી ત્યારે આજે તારીખ ૦૫મી જુનના રોજ દાહોદ શહેર સહિત જિલ્લામાં બપોર બાદ મેઘરાજાએ આગમન કર્યું હતું. વરસાદી ઝાપટાં સાથે સાથે પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને જેને પગલે વાતાવરણણાં ઠંડક પણ પ્રસરી હતી. દાહોદ જિલ્લાના સંજેલી, લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારીઆ જેવા વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો એવો પડ્યો હતો ત્યારે દાહોદ તાલુકાના કતવારા ગામે એક કલાકના વરસાદી માહોલ વચ્ચે વિસ્તારમાં લાઈટો ડુલ થઈ જવાથી લોકોમાં ભારે રોષ પણ જાેવા મળી રહ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી વ્યાપી છે અને ખેતી કામની કામગીરીનો ધીમે અંશે પ્રારંભ પણ કરી દેવામાં આવી છે.
—————————–