આઈસીસી ટેસ્ટ રેન્કિંગ
રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર
ન્યુ દિલ્હી,તા.૯
આઈસીસી ટેસ્ટ રેન્કિંગ જાહેર થયુ છે. જેમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફાયદો થયો છે. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં બીજુ સ્થાન ધરાવતો ઓલરાઉન્ડર થઇ ચુક્યો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ રાખી દીધો છે. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટનુ રેન્કિંગ જાહેર કરતા, જાડેજા બેન સ્ટોક્સની નજીવા અંતરે આગળ થયો છે. બેન સ્ટોક્સ ૩૮૫ પોઇન્ટ સાથે હવે ત્રીજા સ્થાન પર છે. જ્યારે જાડેજાને ૩૮૬ પોઇન્ટ છે.
ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર પ્રદર્શનના મામલામાં ટોચના સ્થાને વેસ્ટઇન્ડીઝનો જેસન હોલ્ડર છે. ઓલરાઉન્ડર તરીકે ભારતીય અશ્વિન ચોથા સ્થાન પર છે. તે ૩૫૩ પોઇન્ટ ધરાવે છે. જ્યારે બોલરોના રેન્કિંગમાં સ્પિનર અશ્વિન બીજા સ્થાન પર યથાવત છે.
બોલીંગ વિભાગમાં જાેવામાં આવે તો, ટીમ સાઉથી ને જબરદસ્ત ફાયદો મળ્યો છે. તે સીધો જ ત્રીજા સ્થાને પહોંચી ચુક્યો છે. જે અગાઉ છઠ્ઠા સ્થાન પર હતો તેણે ઇંગ્લેંડ સામે લોર્ડઝમાં શાનદાર દેખાવ કર્યો હતો જેનો ફાયદો રેન્કિંગમાં જાેવા મળ્યો હતો.
ન્યુઝીલેન્ડના ટીમ સાઉથી લોર્ડઝ ટેસ્ટમાં ૭ વિકેટ ઇંગ્લેંડ સામે ઝડપી હતી. તે હવે ૮૩૮ પોઇન્ટ ધરાવે છે. અશ્વિન તેની આગળ બીજા સ્થાને છે, જે ૮૫૦ પોઇન્ટ ધરાવે છે. ટોપ ટેનમાં અશ્વિન સિવાય કોઇજ ભારતીય બોલર સામેલ થઇ શક્યો નથી. આઈસીસી રેન્કિંગમાં ઓસ્ટ્રેલીયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને બની રહ્યો છે. તે ૯૦૮ પોઇન્ટ ધરાવે છે. ચોથા સ્થાન પર ન્યુઝીલેન્ડનો નીલ વેગનર છે. જાેશ હેઝલ વુડ પાંચ નબર પર છે. જ્યારે ઇંગ્લેંડનો ઝડપી બોલર જેમ્સ એંન્ડરસન આ લીસ્ટમાં ૬ નંબર પર છે.
ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરુવાર ૧૦ જૂન થી બીજી અને શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમનારી છે. બંને વચ્ચે લોર્ડઝના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ રમ્યા બાદ ન્યૂઝીલેન્ડ એ ૧૮ જૂન થી સાઉથમ્પ્ટનમાં ભારત સામે મેદાને ઉતરવાનુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.