સુખસરના બસ સ્ટેશન વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવતા તસ્કરો:રોકડ તથા કરિયાણાનો સામાન મળી રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો થયાં ફરાર
સુખસર ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવી રોકડ તથા કરિયાણાનો સામાન મળી રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરી.
પેટા÷ વેપારીએ સુખસર પોલીસ સ્ટેશનમાં ૨૦.નવેમ્બર-૨૦ લેખિત ફરિયાદ આપી,ચોરી બાબતની ફરિયાદ દાખલ કરવા પોલીસ દ્વારા વિલંબ કેમ ? ની ચાલતી ચર્ચા.
સુખસર,તા.૨૨
ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ૧૯ નવેમ્બર-૨૦૨૦ ના રોજ રાત્રીના કોઈ ચોર લોકોએ કરિયાણાની દુકાનના છતનું પતરુ તોડી દુકાનમાં પ્રવેશ કરી રોકડ સહિત કરિયાણાના સામાનની એક લાખ ઉપરાંતની ચોરી કરી જતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.જેના ત્રણ દિવસ થવા છતાં સુખસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં નહીં આવ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવા નું સુખસર પોલીસ દ્વારા રટણ રટવા માં વ્યસ્ત હોવાનું ચોરીનો ભોગ બનેલ વેપારી દ્વારા જાણવા મળી રહ્યું છે. જ્યારે ગ્રામજનોમાં થયેલ ચોરીની ફરિયાદ દાખલ કરવા પોલીસ દ્વારા વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે થી પસાર થતા અને રાત દિવસ વાહનો તથા લોકોની અવર-જવરથી ભરચક અને જે જગ્યાએ પોલીસ,હોમગાર્ડ, જી.આર.ડી.નો પોઈન્ટ મુકવામાં આવેલ છે તે જગ્યાના પાછળના ભાગેથીજ ચોર લોકો આસાનીથી ચોરી કરી જતા આચર્ય ફેલાયું છે.
સ્ટેટ હાઇવે માર્ગ ઉપર આવેલ સુખસર બસ સ્ટેશન આસપાસમાં અનેક નાની-મોટી દુકાનો આવેલ છે.જેમાં એક કરિયાણાની દુકાન બેંક ઓફ બરોડા સુખસર શાખાની બાજુમાં રહેતા અતુલભાઇ પૂનમચંદભાઈ કલાલની માલિકીની આવેલ છે.જેઓ પોતાની દુકાનને મોડી સાંજે બંધ કરી રાત્રિના સમયે રહેઠાણ ઉપર જતા રહે છે. તેવી જ રીતે ૧૯. નવેમ્બર-૨૦૨૦ ના રોજ મોડીસાંજના પોતાની કરિયાણાની દુકાનને બંધ કરી ઘરે આવતા રહ્યા હતા.જ્યારે બીજા દિવસે ૨૦ નવેમ્બરના રોજ વહેલી સવારે દુકાન ખોલતા દુકાનનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.અને દુકાનની છતનું પતરૂ ખુલ્લુ જોવા મળતા પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. અને દુકાનમાંથી રોકડ રૂપિયા-૯૦૦૦/-,બાગ બાન તંબાકુના નવ પેકેટ જેની કિંમત રૂપિયા- ૩૮૦૦૦/-, બત્તીન બીડી સેમ્પલના સીત્તેર પેકેટ જેની કિંમત રૂપિયા-૧૯૯૫૦/-, બદામ-કાજુ કિંમત રૂપિયા-૧૮૯૦/-, અલગ-અલગ બીડીના પેકેટ કિંમત રૂપિયા-૭૦૦૦/-, સાબુ એક પેટી કિંમત રૂપિયા-૧૪૦૦, વિમલના પાઉચ કિંમત રૂપિયા-૨૪૯૦૦/- તથા સુરેશ- બુધાલાલ તમાકુ કિંમત રૂપિયા- ૧૩૦૦/- મળી કુલ રૂપિયા-૯૬૪૪૦/- ની ચોરી થવા બાબતે તાત્કાલિક સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ પણ કરવામાં આવી હતી.ત્યારબાદ સુખસર પોલીસ દ્વારા તમો પોલીસ સ્ટેશનમાં આવી અરજી આપી જાવ તેમ જણાવતા અતુલભાઇ કલાલે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપી હતી. જોકે આ ચોરીમાં સંડોવાયેલા શકદાર તસ્કરોના નામો પણ ફરિયાદી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યા હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે. અને ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, તમો બખેડો કરશો નહીં,તમારી દુકાનમાંથી ચોરી થયેલો માલ તમોને પરત મળી જશે.તેમ સુખસર પોલીસ જણાવી રહી હોવાનું ફરિયાદી દ્વારા જાણવા મળ્યું હતું.અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે,અમો સુખસર પોલીસ સ્ટેશનના અનેક ધક્કા ખાવા છતાં અમારી ફરિયાદ દાખલ નહીં કરી અમો તપાસ કરીએ છીએ, અને તેમાં સંડોવાયેલા ચોરલોકો મળી આવશે એટલે આમો ફરિયાદ દાખલ કરી દઈશું તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે.જ્યારે આ બાબતે અમારા પ્રતિનિધિએ સુખસર પોલીસ સ્ટેશનમાં જનરલ બીટ જમાદારને પૂછતા જણાવ્યું હતું કે,આ ચોરી બાબતે અમોને કોઈ માહિતી નથી.આ ચોરીની તપાસ પી.એસ.આઈ.સાહેબ પોતે કરી રહ્યા છે. જ્યારે આ થયેલ ચોરીની ફરિયાદ દાખલ કરવા ત્રણ દિવસ વિતવા છતાં સુખસર પોલીસ પાછીપાની કેમ કરી રહી છે ?તેવા પ્રશ્નો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ દુકાનમાં અગાઉ પણ બે વાર ચોરી થઈ ચૂકી છે જેની સુખસર પોલીસ માં જાણ કરવામાં આવેલ તેની ફરિયાદ દાખલ થયેલ નથી જ્યારે હાલ ત્રીજી વખત હજારો રૂપિયાની ચોરી થવા પામી હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે ત્યારે ફરિયાદ દાખલ થશે કે અગાઉની જેમ જ પોલીસ દ્વારા સબ ચલતા હૈ ની નીતિ અપનાવાશે તે સમય આવ્યેજ જાણી શકાશે.