દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.! લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી;

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.!

લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી;

 દાહોદમાં 39 મીમી વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દાહોદ, તા.13 :

દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાના લાંબા રિસામણાને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની આશંકાઓ વચ્ચે ચિંતિત બનેલા ધરતીપુત્રોને આખરે રાહત મળી છે. લાંબા વિરામ બાદ ગઈકાલથી દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેર શરૂ થતાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી આ વખતે સાચી ઠરતી હોય તેમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

છેલ્લા કેટલાક સમયથી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીઓ ખોટી ઠર્યા બાદ ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખાસ કરીને વરસાદના લાંબા વિરામને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, ગઈકાલથી શરૂ થયેલા વરસાદે આજે પણ જોર પકડતાં ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં દાહોદ તાલુકામાં 39 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ફતેપુરામાં 5 મીમી, ઝાલોદમાં 9 મીમી, ગરબાડામાં 26 મીમી, દેવગઢ બારિયામાં 10 મીમી, ધાનપુરમાં 10 મીમી, સંજેલીમાં 16 મીમી, સિંગવડમાં 13 મીમી, ગોવિંદ ગુરુ લીમડીમાં 29 મીમી તથા સુખસરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ફતેપુરામાં 410 મીમી, ઝાલોદમાં 330 મીમી, લીમખેડામાં 482 મીમી, દાહોદમાં 492 મીમી, ગરબાડામાં 494 મીમી, દેવગઢ બારિયામાં 390 મીમી, ધાનપુરમાં 339 મીમી, સંજેલીમાં 484 મીમી, સિંગવડમાં 328 મીમી, ગોવિંદ ગુરુ લીમડીમાં 390 મીમી તથા સુખસરમાં 387 મીમી વરસાદ નોંધાયો હોવાના સત્તાવાર અહેવાલ છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દાહોદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સ્ટેશન રોડ, ગોવિંદનગર, આશીર્વાદ સહિતના માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. તેમજ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે છેલ્લા બે દિવસથી વરસી રહેલો વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. નિષ્ફળતાના આરે પહોંચી ગયેલા ચોમાસુ પાકને સમયસર વરસાદ મળતાં પાકને જીવતદાન મળવાની આશા ઉભી થઈ છે. જેના પગલે દાહોદ જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી છે.

Share This Article