Dahod Live Exlusive:ડેન્જર ઝોન બનેલો ગરબાડાનો પાટીયાઝોલ પુલ:સર્પાકાર વળાંક અને ખોટી ડિઝાઈનથી અકસ્માતોની હારમાળા, તંત્ર માટે લાલબત્તી.!

Editor Dahod Live
4 Min Read

NH-56 પર ડેન્જર ઝોન બનેલો ગરબાડાનો પાટીયાઝોલ પુલ:સર્પાકાર વળાંક અને ખોટી ડિઝાઈનથી અકસ્માતોની હારમાળા, તંત્ર માટે લાલબત્તી.!

રોડ સેફ્ટી મિટિંગોના તાયફા:માર્ગ અકસ્માતોને રોકવા ઝીરો ટોલરેન્સ નીતિ બાબતે આશ્ચર્ય.! 

રાહુલ ગારી:ગરબાડા 

ગરબાડા તા.11

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા મહત્વના નેશનલ હાઈવે 56 પર આવેલો પાટીયાઝોલનો પુલ વાહનચાલકો માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. આ હાઈવે પરથી રોજિંદા હજારો વાહનો અને ભારે માલવાહક ટ્રકો પસાર થાય છે, પરંતુ પુલના તીવ્ર વળાંક અને ભૂલભરેલી ડિઝાઈનને કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં નારિયેળ ભરેલી ટ્રક પલટી મારી જવાની ઘટના સહિત અગાઉ પણ અનેક વાહનો અહીં અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે.

ગ્રાઉન્ડ વિઝ્યુઅલ એનાલિસિસ અને ખતરનાક વળાંકનું ગણિત

 

 

પુલની બંને બાજુ પ્રવેશતા જ અચાનક વળતો તીવ્ર ‘S’ આકારનો વળાંક આવે છે, જેને કારણે ઝડપથી આવતા વાહનો ક્ષણભરમાં કાબૂ ગુમાવી દે છે. નદીના પટ સામે પુલનો એંગલ ત્રાંસો હોવાથી એપ્રોચ રોડ પર અતિશય વાંકા વળાંક આપવા પડ્યા છે. વળાંક પર વાહનને પલટતું અટકાવવા માટે જે જરૂરી રોડ ઢાળ (Superelevation) હોવો જોઈએ તેની પણ ખામી છે. રાત્રિ દરમિયાન પૂરતા લાઈટિંગ અને રેડિયમ બોર્ડના અભાવે તથા આસપાસના વૃક્ષોને કારણે સામેથી આવતું વાહન ન દેખાતા જોખમ બમણું થઈ જાય છે.

કાયમી ઉકેલ: નવો સીધો પુલ અને રોડ રી-અલાઈનમેન્ટ

અકસ્માતો અટકાવવાનો મુખ્ય અને કાયમી ઉકેલ એ જ છે કે નદી પર જૂના ત્રાંસા પુલના બદલે સીધી લાઈનમાં (Straight Alignment) નવો પુલ બનાવવામાં આવે. આ માટે પુલની આસપાસની થોડી જમીન સંપાદિત કરીને એપ્રોચ રોડને સીધો જોડી દેવાથી બંને બાજુના ખતરનાક વળાંક આપોઆપ નાબૂદ થઈ જશે.

તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લેવા અનિવાર્ય બન્યું.

જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી હાઈવે ઓથોરિટી દ્વારા પુલની બંને બાજુ ૨૦૦ મીટર અગાઉ સ્પીડ ઘટાડતી રમબલ સ્ટ્રિપ્સ મૂકવી જરૂરી છે. રાત્રિના સમયે દૂરથી જ દેખાય તેવા “ખતરનાક વળાંક” દર્શાવતા રેડિયમ સાઈનબોર્ડ, સોલર ફ્લેશર લાઈટો અને વાહનોને ખાઈમાં પડતા અટકાવવા મજબૂત મેટલ ક્રેશ બેરિયર લગાવવા અત્યંત જરૂરી છે.જોકે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને માર્ગ-મકાન વિભાગ તાત્કાલિક આ સ્થળને ‘બ્લેક સ્પોટ’ જાહેર કરીને રી-ડિઝાઈનિંગનું કામ શરૂ કરે, જેથી આગળ જતાં કોઈ મોટી જાનહાનિ રોકી શકાય.

 

રોડ સેફ્ટી મિટિંગોના તાયફા:માર્ગ અકસ્માતોને રોકવા ઝીરો ટોલરેન્સ નીતિ બાબતે આશ્ચર્ય.!

 

દાહોદ જિલ્લામાં બનતા માર્ગ અકસ્માતો ને રોકવા માટે એક તરફ પોલીસ ઝીરો ટોરેન્સ નીતિ પર કામ કરી રહી છે. બીજી તરફ કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને રોડ સેફટી ની મિટિંગ યોજાય છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જો પાટીયાઝોલના પુલ પર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આ તમામ મીટીંગોમાં કે કેમ્પેનિંગમાં ઉપરોક્ત સ્થળે બનતા માર્ગ અકસ્માતો ને રોકવા માટે કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં ન આવી અથવા તો કોઈ રોડ મેપ તૈયાર કર્યો છે કે કેમ તે અંગે પણ કોઈ હાલ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને લઈને હવે ઘણા બધા પ્રશ્નો તંત્ર સામે ઉઠી રહ્યા છે. આ સ્થળ પર ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય અથવા કોઈ મોટી જાનહાની થાય ત્યારબાદ જો તંત્ર કામ કરે તેના કરતાં પાણી આવ્યા પહેલપાળ બાંધવાની નીતિ પર કામ કરી કોઈ યોગ્ય પગલાં લે તેવું જન હિતમાં છે.

 

Share This Article