રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ગાંગરડા ગામે બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ
દાહોદ તા. ૩૧
ગરબાડા તાલુકાના ગાંગરડા ગામેથી એક અત્યંત માઠા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગાંગરડા ગામના ખારીવાવ ફળિયામાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વિકરાળ આગની લપેટમાં બે નિર્દોષ પરિવારોના આશિયાના સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.

ખારીવાવ ફળિયામાં આવેલ ચૌહાણ માનસિંગભાઈ ભરતભાઈ અને બચુભાઈ ભરતભાઈ ના મકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બંને પરિવારોને સંભાળવાનો મોકો પણ ન મળ્યો. જોતજોતામાં બંને મકાનો સહિત ઘરની તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન બળીને રાખનો ઢગલો થઈ ગયો હતો.

આગ લાગતા જ આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ બુઝાવવાના ભારે પ્રયાસો આદર્યા હતા. પરંતુ આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે સ્થાનિકોના પ્રયાસો ટૂંકા પડ્યા હતા. અંતે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે અન્ય કોઈ કારણસર, તે બાબત હજી અકબંધ છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ તેમજ તલાટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી હતી અને નુકસાનીનો અંદાજ મેળવવા માટે તાત્કાલિક પંચકેસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગરીબ પરિવારોના આશિયાના છીનવાઈ જતાં આખા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
