મોટો અકસ્માત: ગરબાડાનો ‘મોતનો પુલ’ ફરી રકત રંજિત, તંત્રની આંખ ક્યારે ખુલશે?

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી ગરબાડા

મોટો અકસ્માત: ગરબાડાનો ‘મોતનો પુલ’ ફરી રકત રંજિત, તંત્રની આંખ ક્યારે ખુલશે?

ગરબાડા તા. ૧૩

ગરબાડાના પાટીયાઝોલ પુલ પર આજે ફરી એકવાર કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો છે. ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ જતી લોખંડની પાઈપોથી ખીચોખીચ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો: ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ટ્રક પલટી

મળતી માહિતી મુજબ, ગુજરાતમાંથી માલ ભરીને મધ્યપ્રદેશ જઈ રહેલી આ ટ્રકના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ભારેખમ પાઈપો ભરેલી ટ્રક પુલ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

તંત્ર સામે વેધક સવાલો: હજી કેટલા ભોગ લેવાશે?

પાટીયાઝોલ પુલ હવે વાહનચાલકો માટે ‘ડેથ ઝોન’ બની રહ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે:

શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?

છેલ્લા ૪ દિવસમાં આ બીજી ઘટના છે, છતાં કેમ કોઈ પગલાં નથી લેવાતા?

વર્ષ ૨૦૨૫માં ૧૨-૧૨ અકસ્માતો થયા હોવા છતાં પુલના વળાંક કે ખામીને સુધારવામાં તંત્ર કેમ ઉદાસીન છે?

પોલીસે સ્થિતિ સંભાળી

ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તા પર જમા થયેલા લોકોના ટોળાને વિખેરીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. વારંવાર સર્જાતા આ અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે આ જોખમી પુલને તાત્કાલિક સુધારવામાં આવે જેથી કરીને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.

Share This Article