બાબુ સોલંકી :- સુખસર
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિ હેઠળ સુખસર ખાતે ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસના ખાતમુહૂર્ત કરાયું*
*દાહોદ જિલ્લામાં કુલ ૧૨૧ નવીન પંચાયરઘર રુ. ૩૨૧૪. ૬૨ લાખના કામો મજુર કરવામાં આવ્યા*
*સામાન્ય લોકો સુધી સરળતાથી સરકારશ્રીની યોજનાઓ પહોંચી શકે એ માટે સરકાર પ્રતિબદ્ધ બની છે-મંત્રીશ્રી રમેશભાઈ કટારા*
સુખસર,તા.30
દાહોદ જિલ્લાના નવ-નિર્મિત એવા સુખસર તાલુકા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિ હેઠળ ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસના ખાતમુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યાર બાદ શાળાઓની બાળકીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજુ કર્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પથિક દવેએ રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ દરમ્યાન રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાએ ભારત માતાની જય બોલાવતા પ્રાસંગિક ઉદબોધન આપતાં કહ્યું હતું કે, સામાન્ય લોકો સુધી સરળતાથી સરકારશ્રીની યોજનાઓ પહોંચી શકે એ માટે સરકાર પ્રતિબદ્ધ બની છે. કમોસમી માવઠું જેવી કુદરતી આફતો સમયે પણ ખેડૂતો તેમજ સામાન્ય લોકોની વહારે આવીને થયેલ નુકસાનીનું વળતર આપ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ પશુપાલન, ખેતીવાડી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તારમાં માહિતી આપતાં ઉમેર્યું હતું કે, દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ ૧૨૧ નવીન પંચાયરઘર રુ. ૩૨૧૪. ૬૨ લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે. સૌ કોઈએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને પોતાને મળેલા પદનો સદુપયોગ કરીને ગામોની ખૂટતી કડીને શોધીને ગામના લોકોના ઉદ્ધાર અને વિકાસના કામો તરફ આગળ વધવું જોઈએ.
રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ નવીન પંચાયતઘર માટેની તકતીનું અનાવરણ કર્યું હતું. અંતે વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સાંભળ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન દાહોદ ભાજપા મહામંત્રીશ્રી શંકરભાઈ અમલીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (પંચાયત)કાર્યપાલક ઇજનેરશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સંગઠનના હોદ્દેદારો, તલાટી, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
