રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બાઈકમાં આગ લાગી, પિતા-પુત્રીનો આબાદ બચાવ:
ગરબાડા ચોકડી પાસે બાઈક બંધ પડતાં ચાલકે કિક મારતા જ ભડકો થયો, બાઇક સંપૂર્ણ બળીને ખાખ
દાહોદ શહેરની ગરબાડા ચોકડી પાસે બાઇકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બાઇક ચાલક પંકજ અને તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો. આગને કારણે બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
દાહોદ તા. ૭
મળતી માહિતી મુજબ, પંકજભાઈ પોતાની પુત્રી સાથે ઘરેથી દાહોદ આવી રહ્યા હતા અને તેમની મોટરસાઇકલને સર્વિસ કરાવવા જઈ રહ્યા હતા. ગરબાડા ચોકડી પાસે અચાનક બાઇક બંધ પડી ગઈ હતી. બાઇક બંધ પડતાં પંકજભાઈએ તેને કિક મારીને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે બાઇકમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળી આવી હતી.આગ લાગતાંની સાથે જ પંકજભાઈએ સમયસૂચકતા વાપરીને પોતાની પુત્રી સાથે તાત્કાલિક બાઇક પરથી ઉતરી ગયા અને સુરક્ષિત સ્થળે ખસી ગયા. આગ ઝડપથી વિકરાળ બની હતી, જેના કારણે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક દાહોદ ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાં જ દાહોદ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ચૂકી હતી.
સદનસીબે, આ ઘટનામાં પિતા-પુત્રીને કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.