
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદ તેમજ લીમખેડા રેલ્વે સ્ટેશનની “અમૃત ભારત સ્ટેશન”યોજના અંતર્ગત કાયાપલટ કરાશે…
આકર્ષક પ્રવેશ દ્વાર, અને સર્ક્યુલેટિંગ એરિયા ક્રે્ફેટ એરિયા,5G ઇન્ટરનેટ સુવિધા, સ્ટેશનના માર્ગોના વિસ્તૃતિકરણ સાથે રેલવે સ્ટેશન વધુ સ્માર્ટ બનશે..
રેલવે સ્ટેશન પરિસરમાં હરિયાળીના ઉદ્દેશથી બાગ બગીચા સાથે સ્થાનિક કલા અને સંસ્કૃતિને ઉજાગર કરાશે…
દાહોદ તા.24
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ 16 જેટલાં રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવવામાં આવ્યા છે. જેમાં દાહોદ અને લીમખેડાનો સમાવેશ કરાતા આ સ્ટેશનોમાં અનેક સુવિધાઓમાં વધારો થશે.
દાહોદ રેલવે સ્ટેશનને આમ તો સ્માર્ટ સીટીના લીધે તેમજ 20 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલ એન્જીન કારખાનાના કારણે વિશેષ મહત્વ અપાઈ રહ્યું છે ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દાહોદ અને લીમખેડા રેલ્વે સ્ટેશનને સમાવતા આ સ્ટેશનો ઉપર ક્રે્ફેટ એરિયા,5G ઇન્ટરનેટ સુવિધા, સ્ટેશનના માર્ગોના વિસ્તૃતિકરણ , ની સાથે સાથે આ સ્ટેશનો ઉપર રુફ પ્લાઝા માટે સૌથી વધુ પ્રમાણમાં બનાવવામાં આવશે. આકર્ષક પ્રવેશ દ્વાર, અને સર્ક્યુલેટિંગ એરિયા, તેમજ સ્ટેશનના હાલ હયાત ભવનોને તેની ઉપયોગીતા ની સમીક્ષા કરી બદલાવ કરી તેને અપગ્રેડ કરવામાં આવશે. વિવિધ કેટેગરીના પ્રતીક્ષાલયોને પણ વધુ સુવિધા યુક્ત બનાવી એકબીજા સાથે ઇન્ટર કનેક્ટ કરવામાં આવશે. 5G વાઇફાઇ ની સુવિધા સાથે ફૂટપાથ, સુનિયોજિત પાર્કિંગ, તથા લાઈટની વ્યવસ્થામાં સુધાર કરવામાં આવશે. એટલું જ નહીં સમગ્ર પરિસરમાં હરિયાળીના ઉદ્દેશથી બાગ બગીચા સાથે સ્થાનિક કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિષયોનું પણ ધ્યાન રાખવામાં આવશે. સ્ટેશનના નામના એલઇડી બોર્ડ મૂકવામાં આવશે. આ સમગ્ર યોજના ને અમલમાં લાવવા માટેના તમામ મંડળોના માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટ ની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. તથા તેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આગામી માર્ચ માસમાં આ કાર્ય પૂરજોશમાં શરૂ થનાર હોવાનું રેલવેના અંતરંગ વર્તુળો દ્વારા આધારભૂત રીતે જાણવા મળ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દાહોદ સહિત જે 16 સ્ટેશનો નિયુક્ત થવા પામ્યા છે. તેમાં ઇન્દોરનું લક્ષ્મીબાઈ નગર, રતલામ,દેવાસ, નાગદા, નિમચ,મંદસોર, બેરછા, અકોડિયા, ખાચરોડ,મક્સી, મેઘનગર, સુજાલપુર,સિહોર, લીમખેડા, તેમજ અને ચંદેરીયા પણ સામેલ છે.