દેવગઢબારીયાનાં ઉચવાણ ગામે રૂ. ૪૫ લાખના ખર્ચે તૈયાર જંગલ એનીમલ કેર સેન્ટરનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કરશે લોકાર્પણ
વન્યપ્રાણીઓના માણસો સાથેના ધર્ષણ અટકાવવા તેમજ તેમના સારવાર માટે જંગલ એનીમલ કેર સેન્ટરનું નિર્માણ કરાયું છે
ગુજરાત રાજ્યમાં દીપડાની વસ્તિની દ્રષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબરે, જિલ્લામાં ૧૪૩ જેટલા દીપડા છે
દાહોદ તા.11
વન્યપ્રાણીઓના માણસો સાથેના ધર્ષણ અટકાવવા તેમજ તેમના બચાવ-સારવાર માટે રૂ. ૪૫ લાખના ખર્ચે દેવગઢ બારીયાનાં ઉચવાણ ગામે તૈયાર કરાયેલા એનીમલ કેર સેન્ટરનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદનાં ખરોડ ખાતે લોકાર્પણ કરશે. આ સેન્ટર રૂ. ૪૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
જંગલ એનીમલ કેર સેન્ટર વિશે માહિતી આપતા નાયબ વન સંરક્ષક શ્રી આર.એમ. પરમાર જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં દીપડાની વસ્તિની દ્રષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબર પર આવે છે. દાહોદ જીલ્લામાં દીપડાની વસ્તિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની ગણતરી મુજબ દીપડાની સંખ્યા ૧૪૩ થઇ છે. દીપડાને કારણે માનવ મૃત્યુ તેમજ માનવ ઇજાના બનાવો પણ ઘણા બન્યાં છે. વન્યપ્રાણી દ્વારા માનવ ઘર્ષણ ઘટાડવા હેતુ તેમજ માનવભક્ષી દીપડાઓ દ્વારા થતો રંજાડ અટકાવવા હેતુના નિવારાત્મક પગલાના ભાગરૂપે ઉચવાણ ગામે જંગલ એનીમલ કેર-સેન્ટર બનાવવામાં આવ્યું છે.
એનીમલ કેર સેન્ટર મુખ્યત્વે હિંસક વન્યપ્રાણીઓને અન્ય જીલ્લામાં આવેલ રેસ્કયુ સેન્ટર ઉપર લઇ જવાની અગવડ તેમજ જોખમભરી સ્થિતિ માટે છે. વન્યપ્રાણી દીપડાને પાંજરામા વાહન દ્વારા લાવવા લઇ જવામાં દીપડાને નાની મોટી ઇજાઓ થવાની સંપૂર્ણ શકયતાઓ રહેતી હોઇ છે. વન્યપ્રાણી દીપડાની મૃત્યુ બાદ પોસ્ટ મોર્ટમ કરવાનુ તથા પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેને અગ્નીદાહ આપવાની કાર્યવાહી પણ જે તે રેન્જમાં કરવામાં આવતી હોય છે. એનીમલ કેર-સેન્ટર બનવાથી દાહોદ જીલ્લામાં કોઇ પણ સ્થળે વન્યપ્રાણી દીપડાની મૃત્યુ થાય અથવા ઇજા થાય તેવા સંજોગોમાં એનીમલ કેર-સેન્ટર ઉચવાણ ખાતે લાવી સારવાર તેમજ મૃત્યુના સંજોગોમાં પોસ્ટમોર્ટમ કરી શકાય. હાલમાં બે દીપડાઓને રાખી શકાયે તે પ્રકારની વ્યવસ્થા એનીમલ કેર-સેન્ટરમાં ઉપલ્બઘ છે.