
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ દ્વારા ગરીબ પરિવારનુ વીજ જોડાણ કાપી ગ્રાહકને વીજમીટર હાથમાં પકડાવી ચાલ્યા ગયા!..?
ગરીબ પરિવારનું વીજ બિલ બાકી હોય વીજમીટર કાપ્યું અને તરત નાણાં ભરપાઇ કરતા વીજમીટર ગ્રાહકના હાથમાં આપી કર્મચારીઓ ચાલ્યા ગયા.
આસપાસના લોકોએ દરમિયાનગીરી કરતાં એમ.જી.વી.સી.એલ ના કર્મચારી દ્વારા ફરીથી મીટર ફીટ કરી આપ્યું.
સુખસર,તા.07
ફતેપુરા તાલુકાના સુખસરમાં આજરોજ ફતેપુરા એમ.જી.વી.સી.એલ દ્વારા બાકી વીજ બિલ બાકીદારોની વસુલાત માટે કચેરીના કર્મચારીઓ દ્વારા ટીમો બનાવીને વિવિધ ગામડાઓમાં ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉઘરાણી દરમિયાન કેટલાક વીજ ગ્રાહકો સાથે અન્યાય પણ કરવામાં આવતો હોવાની બૂમો ઉઠવા પામી હતી.તેમાં સુખસરના એક શ્રમિક ગ્રાહકનું વીજ બિલ બાકી હોય વીજમીટર કાપી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડીવારમાં બાકી વીજબીલ ભરપાઈ કરી દેતા તે ગ્રાહકને કાપેલું વીજ મીટર તથા સર્વિસ વીજવાયર હાથમાં પકડાવી એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ એ ચાલતી પકડી હતી.ત્યારબાદ આસપાસના લોકોએ દરમિયાનગીરી કરતાં એમ.જી.વી.સી.એલ ના કર્મચારીએ આવી આ વીજ મીટર ફીટ કરી આપ્યું હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ આઇ.ટી.આઇ ની પાસે રહેતા પારસીંગભાઈ મોતીભાઈ થોરી મહેનત મજૂરી ઉપર ઘરનું ગુજરાન ચલાવે છે. તેઓનું તેઓ થોડા સમયથી વીજ બિલ ભરી શકયા ન હતા રૂપિયા-5000/- જેટલુ વીજબિલ બાકી હતું જ્યારે આજરોજ ફતેપુરા એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ દ્વારા બાકી વીજ બિલના નાણાં ઉઘરાણી માટે ટીમ આવી હતી. પારસીંગભાઈ થોરી ના ઘરે ગયા હતા જ્યાં પારસીંગભાઈના માતા તથા તેમના પત્ની ઘરે હતા.ત્યારે એમ.જી.વી.સી.એલના કર્મચારીઓએ આવી આ બાકી નાણાંની માંગણી કરતા જણાવેલ કે, પારસીંગભાઈ સુખસરમાં ઈટોના ભઠ્ઠામાં મજુરી કામે ગયેલ છે.અને તેઓને વાત કરી થોડીવારમાં અમો નાણાં ભરપાઇ કરી દઈએ છીએ તેમ જણાવવા છતાં એમ.જી.વી.સી.એલના કર્મચારીઓએ સર્વિસ વાયર તથા મકાનમાં મૂકેલ વીજમીટર કાપી લઈ ગયેલા.ત્યારબાદ પારસીંગભાઈને વાત કરતા તેઓ ઘરે આવ્યા.અને એમ.જી.વી.સી.એલના કર્મચારીઓને હમણાં જ બાકી બિલના નાણાં ભરી દેવાનું જણાવી પારસીંગભાઈની પત્નીનો નાકમાં પહેરવાનો સોનાનો કાંટો ગીરવે મૂકી નાણાં ભરપાઇ કરી દીધેલ.ત્યારે આ વીજ મીટર કાપનાર કર્મચારીઓએ બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કર્યા હોવાની પહોચ આપી,કાપી નાખવામાં આવેલ વીજ સર્વિસ વાયર તથા વીજમીટર પારસીંગભાઈ થોરીને હાથમાં આપીને જતા રહેલા.તે બાબતે આસપાસમાં તથા સુખસરના પત્રકારને જાણ થતાં અને ગરીબ શ્રમિક સાથે અન્યાય થતો હોવાની દરમિયાનગીરી કરતાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં એમ.જી.વી.સી.એલના કર્મચારીઓએ સર્વિસ વાયર જોડી મકાનમાં મીટર ચાલુ કરી આપેલ હોવાનું જાણવા મળે છે.આમ અનેક વીજ ગ્રાહકોના હજારો રૂપિયા વીજ બીલ બાકી હોવા છતાં તેઓને મહિનાઓ સુધી છાવરવામાં આવતા હોય છે.જ્યારે થોડી રકમ માટે ગરીબ લોકો સાથે જે અન્યાય કરવામાં આવે છે તે યોગ્ય નથી.