
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં ધોળા દિવસે અનાજના વેપારીને લૂંટી જતા બે મોટરસાયકલ ઉપર આવેલા ગઠિયાઓ.
સુખસરમાં ઝાલોદ રોડ ઉપર અનાજની લે-વેચ કરતા વેપારીની દુકાનદારની નજર ચુકવી બેગમાં રાખેલ રોકડ 45 હજાર રૂપિયા તથા ચેકબુકો લઈ લુટારા પલાયન.
બેગની લૂંટ કરી લુટારુઓ ઝાલોદ જતા રોડ તરફ ગયા હોવાનું ચર્ચા.
સુખસર,તા.19
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લોકો બેફામ બનતા જાય છે. જેથી ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જાય છે.જેમાં અપહરણ,મારામારી મોબાઇલ ચોરી જેવા બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે મંગળવાર બપોરના ધોળા દિવસે સાડા બાર વાગ્યાના અરસામાં સુખસરના એક અનાજનો લે-વેચ કરતા વેપારીની દુકાન ઉપરથી મોટરસાયકલ ઉપર આવેલા બે લૂંટારાઓ નાણાં ભરેલી બેગ લૂંટી પલાયન થઈ જતાં ગામમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના અંતરે સુખસરના ઈદ્રીશભાઈ સિસોલી અનાજનો લે-વેચનો ધંધો કરવા વર્ષોથી ઝાલોદ રોડ ઉપર નાકા ઉપર બેસે છે.જે દુકાન ઉપર મંગળવાર બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં તેમના ભાભી શરીફાબેન અનીષભાઈ સિસોલી નાઓ બેઠેલા હતા.તે દરમિયાન 2 અજાણ્યા મોટરસાયકલ સવાર આ દુકાન ઉપર આવ્યા હતા.અને દુકાન ઉપર બેઠેલા શરીફાબેન સિસોલીની નજર ચૂકવી હાથલારી ઉપર પડેલી રોકડ રૂપિયા 45000/- હજાર તથા ચાર ચેકબુક, રોજમેળ તથા પોસ્ટ ખાતાની ચોપડી સાથેની બેગ ઉઠાવી મોટર સાયકલ ઉપર ઝાલોદ રોડ તરફ આ બંને ગઠિયાઓ ભાગી ગયા હતા. મોટરસાયકલ ઉપર ભાગી છૂટેલા ગઠિયાઓનો પીછો કરવા કેટલાક વાહનચાલકો પાછળ પડ્યા હતા.છતાં ગઠિયાઓ પોતાના કબજાની ગાડી પુરપાટ દોડાવી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,સુખસર બસ સ્ટેશન ખાતે ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનો તથા શાકભાજીની તેમજ અન્ય ચીજ વસ્તુઓનુ વેચાણ કરતા લોકો દ્વારા હાથલારીઓનો ખડકલો ખડકી દેવામાં આવતા અવર-જવર કરતા સેંકડો મુસાફરો સહિત એસટી બસોને ઉભી રાખવા મોટી મુશ્કેલી લાંબા સમયથી ઉભી થયેલ છે.જેનો ગેરલાભ ઉઠાવી સુખસર બસ સ્ટેશન ઉપર મોબાઇલ ચોરોનો આતંક પણ વધી જવા પામેલ છે.અને અનેક લોકોએ સુખસર બસ સ્ટેશન ઉપર પોતાના મોબાઈલો ગુમાવ્યા હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.ત્યારે સુખસર બસ સ્ટેશન ઉપર ગેરકાયદેસર ખડકવામાં આવતા ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનો સહિત હાથલારીઓને હટાવી દેવામાં આવે તો મોબાઈલ ચોરલોકોનો આતંક ઓછો થાય તથા અવર-જવર કરતી એસ.ટી બસો સહીત મુસાફરોને ઉભુ રહેવામાં પડતી મુશ્કેલી ઓછી થાય તેવી ચર્ચા પણ સાંભળવા મળે છે. ત્યારે આ બાબતે ધ્યાન અપાશે ખરું?કે પછી સબ ચલતા હૈ ની નીતિ અપનાવાશે? તે સમય જ બતાવશે.