ગરબાડામાં બિનજરૂરી અનાવશ્યક ચીજવસ્તુઓની છ થી વધુ દુકાનો તંત્ર દ્વારા સીલ કરાઇ, દાહોદમાં પણ નગરપાલિકા તંત્રે લબાના ટ્રેડર્સ નામક ગોડાઉનને તંત્ર દ્વારા લૉકડાઉનના ઉલ્લંઘન બદલ સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
દાહોદ/ગરબાડા.તા.02
દાહોદ શહેરમાં જુના ઇન્દોર રોડ ખાતે આવેલ લબાના ટ્રેડર્સ નામક ગોડાઉનના માલિક દ્વારા લૉકડાઉન દરમિયાન પોતાનું ટ્રેડર્સ ચાલુ રાખ્યા હોવાની બાતમી મળતાં તંત્ર દ્વારા આ લબાના ટ્રેડર્સ ખાતે પહોંચી હતી. કોકડાઉનના ઉલ્લંઘન બદલ પાલિકા તંત્ર દ્વારા આ ટ્રેડર્સને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ દુકાનદારો વિગેરેને આવશ્યક ચીજવસ્તુઓની દુકાન શિવાય બીજા વેપારીઓને પોતાની દુકાન ખોલવા પર મનાઇ કરવામાં આવી છે તેમ છતાં પણ બિનઆવશ્યક દુકાનદારો દ્વારા લૉકડાઉનમાં પોતાના રોજગાર ધંધા ચાલુ રાખતા વહીવટી તંત્ર આવા દુકાનદારો સામે સખ્ત બની છે અને દુકાનો,ગોડાઉન વિગેરેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે ગરબાડાનગરમાં પણ લોક ડાઉનના બીજા તબક્કા બાદ બિનજરૂરી અનાવશ્યક ચીજ વસ્તુઓની દુકાન દિનપ્રતિદિન વધુ ખુલતી હોવાનું સ્થાનિક તંત્રને જાણવા મળતા તારીખ બીજીના રોજ આ રીતની છ જેટલી દુકાનો તંત્ર દ્વારા સીલ મારવામાં આવી હતી. આવનાર દિવસોમાં પણ આ જ રીતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી જેથી કરીને કોરોનાની લડાઈ યોગ્ય રીતે લડી શકાય અને અત્યાર સુધી કરેલી મહેનત પર પાણી ન ફરી વળે બીજી તરફ ગરબાડામાં બહારગામ ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકો સહિત શાકભાજીવાળા અને અન્ય દુકાનદારો માસ્ક વગર જ ફરતા જોવા મળી રહ્યા છે.જોકે ગ્રામ પંચાયત સ્થાનિક તંત્ર અને સરપંચો દ્વારા ગામેગામ માસ્કનું વિતરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ છતાં માસ્ક પહેરવામાં લોકો આળસ કરી રહ્યા છે. તેમજ ગ્રામ પંચાયત એ પણ એક જ વાર માસ્ક નહીં પહેરનારા તત્વો સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા ફરજિયાત પણે માસ્ક પહેરાવવામાં આવે તે જરૂરી બાબત બની છે.