Thursday, 21/11/2024
Dark Mode

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે”….ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામના યુવાનને માતાના જન્મદિન નિમિત્તે ગિફ્ટ આપવાના બહાના હેઠળ છેતરપિંડી:

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે”….ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામના યુવાનને માતાના જન્મદિન નિમિત્તે ગિફ્ટ આપવાના બહાના હેઠળ છેતરપિંડી:

 બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામના યુવાનને માતાના જન્મદિન નિમિત્તે ગિફ્ટ આપવાના બહાના હેઠળ છેતરપિંડી.
  • યુવાનને ગઠિયાએ માતાના જન્મદિન નિમિત્તે સોનાની ચેન, ઘડિયાળો,બૂટ,કેમેરા,આઈફોન મળી કુલ ૨૫ ચીજ-વસ્તુઓ સહીત પાઉન્ડ આપવાની લાલચ આપી રૂપિયા ૨૬૫૦૦/- હજારની છેતરપિંડી કરી.

   સુખસર,તા.૨૨

   “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે”ની ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલા મકવાણાના વરુણા ગામના એક યુવાનને ગઠિયાએ તેની માતાના જન્મદિન નિમિત્તે વિવિધ ૨૫ જેટલી કીમતી ચીજ વસ્તુઓ ગિફ્ટમાં આપવાની લાલચ આપી નાણા પડાવ્યા બાદ ગિફ્ટ સાથે પાઉન્ડ આપવાની લાલચ આપી ગઠીયા દ્વારા વધુ નાણાં પડાવવાની કોશિશ કરતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને સુખસર પોલીસમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે રહેતા અને સરકારી નિગમમા નોકરી કરતા એક યુવાનને મોબાઈલ દ્વારા છેતરપિંડીનો શિકાર બનાવતા ગઠિયાએ ઓનલાઈન મિત્રતા કેળવી હતી.અને તેના અવાર-નવાર મોબાઈલ ઉપર મેસેજો પણ આવતા હતા.પરંતુ અહીંના યુવાને માત્ર મિત્રતા ખાતર મેસેજની આપ-લે કરતા હતા.ત્યાર બાદ સમય જતાં ગઠિયાએ યુવાનને મિત્રતામાં એટલો અંધ બનાવ્યો કે મિત્રતા ખાતર કંઈ પણ કરી છૂટવા યુવાન તૈયાર રહેતો હતો.ત્યારબાદ ગત ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ અજાણ્યા મિત્ર એવા ગઠિયાએ યુવાને જણાવ્યું કે,અમારી માં નો જન્મ દિવસ આવી રહ્યો છે અને અમો દર વખતે અમારી માં ના જન્મદિન નિમિત્તે મિત્રોને ગિફ્ટ આપીએ છીએ.તેવી જ રીતે અમો આપને પણ ગિફ્ટ આપવા માંગીએ છીએ.માટે તમો તમારું નામ સરનામું અમોને આપો તેમ જણાવતા યુવાને પોતાનું નામ-સરનામું મોકલેલ. ત્યારબાદ ગઠિયાએ વોટ્સએપ દ્વારા વિવિધ કીમતી ચીજ વસ્તુઓ બતાવી જણાવેલ કે તમોને મોકલવામાં આવનાર પાર્સલમાં સોનાની ચેન, ઘડિયાળો,બૂટ,કેમેરા આઈફોન જેવી ૨૫ જેટલી ચીજવસ્તુઓ મોકલાવી શું અને તમો અમારા એકાઉન્ટ નંબર માં રૂપિયા ૨૬૫૦૦/- મોકલી આપો તેમ જણાવતા જણાવેલ એકાઉન્ટ નંબર ઉપર અહીંના યુવાને મિત્રતામાં પ્રેમાંધ બની આ નાણા મોકલી આપ્યા હતા. ત્યારબાદ સામેની વ્યક્તિએ મોબાઈલ દ્વારા ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ મોબાઈલ દ્વારા કોલ કરી છેતરપિંડી ની જાળમાં ફસાયેલા યુવાનને જણાવેલ કે,અમો જે પાર્સલ મોકલનાર છીએ તેમાં પાઉન્ડ પણ છે. અને તમારે આ પાઉન્ડ વટાવવા માટે મોટો ખર્ચો થાય તેમ છે.માટે તમો બીજા રૂપિયા ૮૫૦૦૦/- હજાર મોકલી આપો અમો તમોને તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી પાર્સલ મોકલી આપીશું માટે તમો ખર્ચમાંથી બચી જશો તેમ જણાવતા યુવાન પાસે આટલા નાણાં નહી હોવાનું જણાવતા સામેની વ્યક્તિના ફોન બંધ થઈ ગયા હતા. અને યુવાન સાથે મિત્રતાની આડમાં ગીફ્ટ આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું ભાન થતાં ગઠિયાઓ દ્વારા કરવામાં આવતા મોબાઈલ ઉપર કોલ કરતા તેમના મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયા હતા. અને યુવાને પોતાની સાથે મિત્રતાની આડમાં ગિફ્ટ આપવાના બહાને છેતરપિંડીનો શિકાર બનાવ્યો હોવાનો અહેસાસ થતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છેતરપિંડીનો શિકાર બનાવતા ગઠીયાની તપાસ કરી ન્યાય મળે તે હેતુથી રજૂઆત કરવામાં આવી છે.

      અહીંયા જણાવવું જરૂરી છે કે, કેટલાક લેભાગુ અજાણ્યા ગઠિયાઓ વિવિધ તરકીબો અજમાવી મોબાઈલ દ્વારા મિત્રતા કેળવી લોકોને છેતરપિંડી નો શિકાર બનાવતા હોવાના અવાર-નવાર કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.છતાં આવા બનાવોને નજર અંદાજ કરી કેટલાક લોકો “આ બેલ મુજે માર”ની નીતિ અપનાવતા હોવાના કિસ્સાઓ વધતા જાય છે.ત્યારે પ્રજાએ બની ચૂકેલા કિસ્સાઓ ઉપરથી શીખ લઇ લોભમાં આવી છેતરપિંડીનો શિકાર બનવું જોઈએ નહીં.કોઈ ઘરનું ખાઈ ગાંડા સાથે જાય તેટલું કોઈ મૂર્ખ નથી તે સમજી લઈ મુર્ખ બનવું જોઈએ નહીં.

error: Content is protected !!