દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વના રાજ્યોત્સવની કરી જાનદાર-શાનદાર ઉજવણી:રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા વચ્ચે લહેરાયો રાષ્ટ્રધ્વજ:મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાસત્તાક દિવસે ગરવા ગુજરાતીઓનું કર્યું અભિવાદન:પોલેન્ડના Consuel General શ્રીયુત Damian Irzyk ની વિશેષ ઉપસ્થિતિ,નાગરિકોએ કોવીડની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે ગણવેશધારી દળોની ગૌરવશાળી શિસ્તબધ્ધ કૂચને તાળીઓ નાદથી વધાવી:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્ટ્રપ્રેમથી તરબતર દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા,
મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલે ગ્રાઉન્ડમાં હાજર આમંત્રિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું.આ અવસરે પોલેન્ડના Consuel General શ્રીયુત Damian Irzyk વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
દાહોદ તા.26
ઊગતા સૂરજના પ્રદેશ એવા દાહોદમાં ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ કોવીડ – ૧૯ ની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે નાગરિકો હાજર રહ્યા હતા. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આદિવાસી પંથક દાહોદના આંગણે યોજાઇ હતી.
પોલીસ દળના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારોએ હેરતભર્યા કરતબો કરી સોને મંત્રમુગ્ધ કર્યા
૧૨ જેટલી પ્લાટુનમાં ગુજરાત પોલિસદળના ૪૯૦ ઉપરાંત જવાનોએ આઈ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટશ્રી વિકાસ સુંદા નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી.પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ (માર્ચ પાસ્ટ) ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદ વાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ, હેરતભર્યા મોટર સાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે ઉપસ્થિત રહેલા સ્વાતંત્ર્યસેનાનીઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે પરેડમાં પ્લાટુન નં-૩ સુરત શહેર મહિલા પોલીસ પ્રથમ, બીજા ક્રમે પ્લાટુન નં-૧ ચેતક કમાન્ડો અને ત્રીજા ક્રમે પ્લાટુન નં-૬ દાહોદ જિલ્લા પુરૂષ પ્લાટુંન આવતા રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીના હસ્તે રનીંગ ટોફ્રી એનાયત કરાયા હતા. મોટર સાયકલ સ્ટંટ શોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મી શ્રી દેવીલાલ રોત,તૃપ્તિબેન માંડાની, ડોગ શો માં ઉત્તમ દેખાવ કરનાર રાણાભાઈ ખીમાણી,અશ્વ સવાર જી. એચ. મીરને રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત કરાયા હતા.
રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ આયુષમાન ભારત યોજના તહત પ્રધાનમંત્રી જનઔષધિ તેમજ મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર દાહોદના ડો.સંજીવકુમાર, ડો.બિરેન પટેલ અને ડો.કશ્યપ વૈધનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, વજુભાઈ પણદા, શ્રી ચંદ્રિકાબેન બારીયા,રમેશભાઈ કટારા, વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, યુવક સેવા વિભાગના શ્રી સી.વી. સોમ, માહિતી નિયામકશ્રી અશોક કાલરીયા,કલેકટરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિકારી શ્રી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટરશ્રી મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.