દે.બારીયા:પાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:પૈસાની લેવડ દેવડ બાબતે મજુરને ફટકાર્યો:પાલિકા પ્રમુખના પતિ વિરુદ્ધ ગુનો નોંધાતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો

Editor Dahod Live
2 Min Read

  મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દાહોદ તા.૦૫

દેવગઢ બારીઆ નગરનો ચકચાર બનાવ સામે આવ્યો છે.જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન નાથાણીના પતિ મિતેશભાઈ દ્વારા નાણાંની લેતી દેતી મામલે એક વ્યક્તિને લાપટો ઝાપટો મારી જાતી અપમાનિત શબ્દો બોલી ભારે ધિંગાણું મચાવતા આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે પાલિકા પ્રમુખના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દેવગઢ બારીઆ કાપડી વિસ્તારમાં ભીલ ફળિયામાં રહેતા મોહનભાઈ રામાભાઈ વણકરે દેવગઢ બારીઆ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આજરોજ તારીખ ૦૫.૧૦.૨૦૨૦ના રોજ દેવગઢ બારીઆના નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન મિતેશભાઈ નાથાણીના પતિ મિતેશભાઈ પાસે મોહનભાઈ મજુરીના બાકી નીકળતા પૈસા લેવા માટે ગયો હતો અને હિસાબ કરવાની વાત કરી હતી. આ દરમ્યાન મિતેશભાઈએ મોહનભાઈને કહેલ કે, તું મારી જાેડે પૈસા લેવા આવતો નહીં અને તું પરેશભાઈ પાસે પૈસા લેવા જજે, કહેતા મોહનભાઈએ મિતેશભાઈને કહેલ કે, હું પરેશભાઈને ઓળખતો નથી, હું તમોને ઓળખું અને મારે તો તમારી પાસે મારા મજુરીના બાકી નીકળતા પૈસા લેવાના છે, તેમ કહેતા મિતેશભાઈએ મોહનભાઈને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ મોહનભાઈને લાપટો ઝાપટો મારી, હું બારીઆનો રાજા છું, તને એક મીનીટમાં અંદર કરી દઈશ, તું મને ઓળખતો નથી, તેમ કહી જાતિ અપમાનિત અપશબ્દો બોલી મોહનભાઈને મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે મોહનભાઈ રામાભાઈ વણકરે દેવગઢ બારીઆ નગરપાલિકાના મહિલા પ્રમુખ દક્ષાબેનના પતિ મિતેશભાઈ જયંતિભાઈ નાથાણી વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. ઉપરોક્ત બનાવના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લામાં ફેલાતા રાજકીય આલમમાં સહિત દાહોદ જિલ્લાના પ્રજાજનોમાં ખળભળાટ સાથે આશ્ચર્ય ફેલાવા પામ્યું છે.

——————–

Share This Article