સંજેલીમાં નિર્માણાધીન બસ સ્ટેશનમાં કામ કરી રહેલા એક મજુરનું અકસ્માતે વીજ કરંટ લાગવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.જોકે આ મજૂરનો વીજ કરંટ કેવી રીતે લાગ્યું એ હાલ જાણી શકાયું નથી,
સંજેલીમાં એક મહિના અગાઉ જ નવું બસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ગઇકાલે બસ સ્ટેશનમાં ચાલુ કામ દરમિયાન એક વ્યક્તિને કામ કરતા સમયે અકસ્માતે વીજ કરંટ લાગતા તેને તાત્કાલિક 108 મારફતે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે તેની સાથે આવેલ લોકો ને પણ દુઃખનો પહાડ તૂટી પડતા બધાની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી હતી. જ્યારે આ બાબતની જાણ મૃતકના પરિજનોને થતાં તેઓ પણ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર દોડી આવતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ મથકમાં કામ કરી રહેલા મજૂર ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ત્યારે કેટલાક લોકો દ્વારા હાર્ટએટેક જેવી બીમારીથી મૃત્યુ થયું હોવાની વાતો વહેતી થવા પામી હતી.હાલ મજૂરનું મોત ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નહોતી.