મઝહર અલી મકરાણી, દે.બારીયા
દે.બારીયા તા.10
દેવગઢબારિયા તાલુકાના પૂવાળા ગામે ખોસ્ ફળિયામાં લાકડા વીણવા ગયેલ સગીરા ઉપર દીપડાનો હુમલો,દીપડાના હુમલાને લઇ ગ્રામજનોમાં ફફડાટ,દીપડાએ જંગલમાં લાકડા વીણવા ગયેલ સગીરા ઉપર હુમલો કર્યો, સગીરાને માથાના પાછળના ભાગે ઇજા થતાં ગોધરા રીફર કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ અને ધાનપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક એમ દીપડાના અનેક હુમલા વધવા લાગ્યા છે. ત્યારે આજ રોજ તા.૧૦મી જુલાઈના રોજ વધુ એક દીપડાનો હુમલો પુવાળા ગામે નજીકના જંગલ વિસ્તારમાં થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના પૂવાળા ગામે ખોસ ફળિયામાં રહેતા નાયક બકુલભાઈની પુત્રી ભાવનાબેન ઉ ૧૩ વર્ષ બપોરના અઢી વાગ્યાના અરસામાં ઘરની નજીકમાં આવેલ જંગલ વિસ્તારમાં તેઓ લાકડા વીણવા ગઈ હતી. ત્યારે જંગલ તરફથી આવેલા દીપડાએ અચાનક ભાવનાબેન ઉપર હુમલો કરતા ભાવનાબેન એક સમયે હેબતાઈ ગઈ પણ પછી સમય સૂચકતા વાપરીને દિપડાનો સામનો કરતા બૂમા બૂમ કરતા આસપાસના કેટલાક ગ્રામજનો દોડી આવેલા અને પોતે હિંમત થી બૂમાબૂમ કરી દીપડાને પથ્થરો મારતા દીપડો જંગલ તરફ નાસી ગયો ત્યારે આ બનાવ અંગેની જાણ સ્થાનિક વનવિભાગને થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ભાવનાબેન નાયકને હાથ અને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી. અને નાયક ભાવનાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવી હતી. ત્યારે આ દીપડાના હુમલા થી ગ્રામજનોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ત્યારે વનવિભાગ દ્વારા શું પગલા લેવામાં આવશે ? તે જોવાનું રહ્યું.