સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખને હટાવવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ થતાં રાજકીય માહોલ ગરમાયો. તાલુકા -જીલ્લાની પંચાયતની ચૂંટણી ટાણે કાર્યકરો દ્વારા વિરોધ કરાતા રાજકીય ચર્ચા જોવા મળી. પોસ્ટ વાઇરલ થતાં સંજેલી કોંગ્રેસમાં ડખો બહાર આવ્યો.
સંજેલી તા.15
સંજેલી તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.તે પહેલા જ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ને હટાવવાની પોસ્ટ સોસીયલ મીડીયા વાઇરલ થતાં રાજકીય ચર્ચા જાગી ઉઠી હતી.સંજેલી તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યકારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રામસિંગભાઈ ચરપોટ ની નિમણૂક કરવામાં આવી હતી.દાહોદ જિલ્લામાં ઝાલોદ, દાહોદ અને ગરબાડા સહિત સંજેલીનો કેટલોક વિસ્તાર કોંગ્રેસનો ગઢ મનાય છે.ત્યારે તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોત પોતાનું સંગઠન મજબૂત કરવા માટે ભાર મુકાઈ રહ્યો છે.જેમાં કોંગ્રેસ દ્વારા પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે માટે વિવિધ હોદ્દાઓ આપવામાં આવ્યા હતા.એકાએક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ પ્રમુખને હટાવવાની માંગ કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હતો.કાર્યકરો દ્વારા જ પક્ષ પ્રમુખનો વિરોધ કરવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું હતું.હાલમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય તે માટે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે સંજેલી તાલુકા કોંગ્રેસનો કકળાટ બહાર આવતા જિલ્લા આખામાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો.