સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારી ખાડામાં ઉતરી : 35 મુસાફરો ઇજાગ્રસ્ત.
દાહોદ તા.30
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ઝાલોદ થી જંબુસર જતી એક એસટી બસને અકસ્માત નડતા 35 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી ત્યારે ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજરોજ વહેલી સવારના સમયે ઝાલોદ થી જંબુસર જતી એસટી બસ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામ નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે અકસ્માતે એસટી બસ રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહીશો સ્થળ પર દોડી ગયા હતા. એસટી બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ ને કરવામાં આવતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળે રવાના થઈ હતી. પોલીસ આવે તે પહેલા સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પોલીસ આવ્યા બાદ પણ કામગીરી હાથ ધરાઈ રહી હતી ત્યારે તમામ ઇજાગ્રસ્તો પૈકી કેટલાક ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ તેમજ લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હકીકત હાલ સુધી જાણવા મળી નથી પરંતુ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.