બાબુ સોલંકી :- સુખસર
-
ફતેપુરા તાલુકાના આદિવાસી-રોહિત સમાજમાં પૂર બહારમાં ખીલેલી લગ્નસરાની મોસમ.
-
રીવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા યુવાપેઢીએ આગળ આવવું પડશે.
-
આદિવાસી-રોહિત સમાજમાં કન્યાના દહેજ પેટે લાખો રૂપિયા વર પક્ષ પાસેથી વસુલાત કરવામાં આવે છે.
-
દહેજના દૂષણને ડામવા સરકારનું કાનૂની કવચ છતાં મોટા બાકોરા.
-
અન્ય સમાજોમાં દહેજના નામે શોષાતી નારીઓની જેમ આદિવાસી-રોહિત સમાજમાં શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું?તે વિચાર માંગતો તો પ્રશ્ન છે.

દહેજના ખપ્પરમાં હોમાઈ જતી નારી નવોઢા અને તેમના ઉપર સાસરી પક્ષ દ્વારા ગુજારવામાં આવતાં સિતમ ના બનતા કિસ્સાઓની કોઈ સીમા નથી.અબળા ગણાતી નારીને દહેજના આ દૂષણ સામે સરકાર દ્વારા કાનૂની કવચ પૂરું પાડવામાં આવેલ છે.તથા અનેક નારી સંરક્ષણ સંસ્થાઓ દ્વારા પણ કાનૂની કવચ આપવામાં આવેલ છે.સાથે અનેક નારી સંરક્ષણ સંસ્થા ઓ આ ક્ષેત્રે કાર્યરત રહી સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડે છે.ત્યારે પુરુષ પ્રધાન કહેવાતા આ યુગમાં દાહોદ જિલ્લામાં આદિવાસી તથા રોહિત સમાજ ની જ્ઞાતિઓમાં અવળી ગંગા વહે છે.આ જ્ઞાતિઓમાં વરપક્ષ વાળા કન્યાને દહેજ આપે છે.દહેજની રકમ કન્યાના કુટુંબ અને ભણતર મુજબ નક્કી થાય છે.આ રકમ દહેજ પેટે આપ્યા બાદ જ લગ્ન સંભવિત બને છે.અને ત્યારબાદ સામાન્યપણે દહેજના પાપે શોષાતી નારીઓના જોવા મળતા કિસ્સાઓની જેમ જ આ જ્ઞાતિઓમાં વર શોષાતા રહ્યા છે.કન્યા પક્ષ તરફથી વધુને વધુ દહેજ મેળવવા માટે વર પક્ષ ઉપર દબાણ કરવામાં આવતુ હોય છે.દહેજના દૂષણના સિક્કાની બીજી બાજુ જેવા આ રિવાજમાં કેટલીકવાર શોષિત થતા વર કંટાળી જઈને છુટકારો મેળવવા અંતિમ પગલું ભરતા પણ અચકાતા નથી.જો કે મોટાભાગના આવા કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવતા હોય છે.શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું? એ વિચાર માંગતો પ્રશ્ન છે.