
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં આશરે 32 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા..?ઘૂંટાતું રહસ્ય..!!
મૃતક યુવાનના શરીર ઉપર લાલ કલરનું સફેદ ટપકા વાળુ શર્ટ તથા પીળાશ પડતા કલરનું પેન્ટ પહેરેલ છે.
મૃતક યુવાનની લાશને પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી.
મૃતક યુવાનની ઓળખ છતી નહીં થાય તો પી.એમ બાદ લાશને વડોદરા કોલ્ડ સ્ટોરેજમાં મોકલવામાં આવશે.
સુખસર તા.10
ફતેપુરા તાલુકાના સુખસર પંથકના કુવાઓ માંથી લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે.જેમાં મોટાભાગના બનાવોમા મોતનો ભોગ બનેલા મૃતક લોકોની ઓળખ છતી થઇ જાય છે.પરંતુ આજરોજ સુખસરમાં કૂવામાંથી મળી આવેલ આશરે 32 વર્ષીય યુવાનની લાશની ઓળખ છતી થવા પામેલ નથી.જ્યારે પોલીસે મૃતક યુવાનની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી મૃતક યુવાનના વાલીવારસોની ભાળ મેળવવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આફવા રોડ ઉપર આવેલ ભાવેશ ભાઈ ગણપતભાઈ પંચાલના કૂવામાં યુવાનની પાણીમાં તરતી લાશ હોવાની સુખસર પોલીસને ગતરોજ મોડી સાંજના જાણ કરવામાં આવતા સુખસર પોલીસ તાબડતોબ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી.અને રાત્રિના સમયે કુવા ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.ત્યાર બાદ આજરોજ સવારના ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો સુખસર બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા.તેમજ મોટી સંખ્યામાં આસપાસના લોકો મરનાર યુવાન કોણ?ની તપાસ માટે ઉમટી પડ્યા હતા.ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.પરંતુ મરનાર યુવાનની ઓળખ છતી થઇ ન હતી. જ્યારે સુખસર પોલીસે મૃતક યુવાનની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપેલ હોવાનું જાણવા મળે છે.તેમજ મૃતક યુવાનના શરીરે લાલ કલરનુ સફેદ ટપકા વાળુ શર્ટ તથા પીળાશ પડતા કલરનું પેન્ટ પહેરેલ હોવાનું જોવા મળે છે. તેમજ આ મરણ જનાર યુવાનની ઉંમર આશરે બત્રીસ વર્ષ હોવાનું જાણવા મળે છે.પેન્ટ- શર્ટના ખિસ્સાઓમાં તપાસ કરતા કોઈ ચીજ-વસ્તુ મળી આવેલ નથી.તેમજ આ મરણ જનાર યુવાનનુ અકસ્માતે કૂવામાં પડતા મોત નીપજ્યું છે કે તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે?તેમજ આ મરણ જનાર યુવાન કોણ અને ક્યાંનો છે?તે પોલીસ તપાસનો વિષય છે.
હાલ સુખસર પોલીસ આ મૃતક યુવાન કોણ છે?તેની ભાળ મેળવવાના પ્રયત્નો કરી રહી છે.જોકે મરણ જનાર યુવાનની ઓળખ છતી નહિ થાય તો લાશનું સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કર્યા બાદ લાશને વડોદરા ખાતે કોલ્ડ સ્ટોરેજમાં આવશે અને સમય મર્યાદામાં આ મરણ જનાર યુવાનના વાલી વારસોનો પત્તો નહીં મળી આવે તો લાશનો સરકારી રાહે નિકાલ કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.