સુમિત વણઝારા
સીંગવડ તાલુકાના પીપળીયા ગામે લગ્ન પ્રસંગમાં નાચગાન દરમિયાન ત્રણ ઈસમોએ એક મહિલા સહીત ચાર લોકો પર લાકડીઓ લઇ તૂટી પડ્યા.
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામે લગ્ન પ્રસંગ દરમ્યાન એકના ઘરના આંગણામાં નાચગાન કરતાં ત્રણ જેટલા ઈસમોએ એક મહિલા સહિત ચાર જણાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૫મી મેના રોજ પીપળીયા ગામે લગ્ન પ્રસંગ હોઈ જેમાં અભેસીંગભાઈ કડવાભાઈ પટેલ (રહે. છાપરવડ, હોળી ફળિયા, તા.સીંગવડ, જિ.દાહોદ), લક્ષ્મણભાઈ, વજેસીંગભાઈ અને રેખાબેન વિગેરે નાચતા હતાં. આ દરમ્યાન ત્યાં ભારતભાઈ સવાભાઈ, મનહરભાઈ સવાભાઈ અને જીજ્ઞેશભાઈ મનહરભાઈ ત્રણેય જાતે પટેલ (ત્રણેય રહે. છાપરવડ, હોળી ફળિયા, તા.સીંગવડ, જિ.દાહોદ) નાઓ ત્યાં આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમોને તમે કેમ આશિષકુમારના લગ્નમાં કંકોતરી આપેલ નથી અને કેમ તમો અમારા ઘરના આગળ નાચો કુદો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ હાથમાં છુટ્ટા પથ્થરો, લાકડી વિગેરે લઈ આવી અભેસીંગભાઈ તથા તેમની સાથેના મહિલા સહિત ચાર જણાને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અભેસીંગભાઈ કડવાભાઈ પટેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.