વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લાગ્યું ગ્રહણ…
સંજેલી નગરમાં રોડ પર વહેતા દૂષિત પાણીથી સ્થાનિકોને હાલાકી: પાણીજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા..
સંજેલી તાલુકામાં પાયાની સુવિધા પૂરી પાડવામાં વહીવટી તંત્ર ખાડે ગયું..
સંજેલીમાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના લીધે સેવા સદન ગ્રાઉન્ડમાં દૂષિત પાણીનો ઘેરાવો…
સંજેલીમા ગટરના અભાવે સેવા સદન તેમજ રોડ પર ગંદકી તેમજ દુર્ગંધ મારતા પાણીનો જમાવડો..
દાહોદ તા.05
સંજેલી નગરમાં ગટરના અભાવે તેમજ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે સંજેલીના વિવિધ વિસ્તારોમાં ગટરના ગંદા પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. પંથકમાં પાયાની સુવિધાઓના અભાવે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે જેના પગલે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
સંજેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ નગરમાં રોડ,રસ્તા, ભૂગર્ભ ગટર યોજના તેમજ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સ્થાનિક વહીવટી તંત્ર ઉણું ઉતર્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. સંજેલી નગરમાં સ્થાનિકો રોડ તેમજ ગટરની સમસ્યાથી વંચિત રહી જતા નગરના દુષિત પાણી સેવા સદન તેમજ અન્ય રસ્તાઓ પર ગટરના અભાવે ડ્રેનેજ ના દૂષિત પાણી જાહેર રસ્તા પર ભરેલા જોવા મળી રહ્યા છે. જેના પગલે અત્રે થી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ તીવ્ર દુર્ગંધમાંથી પસાર થવા મજબુર બની રહ્યા છે. તેમજ તૂટેલા રસ્તાઓ પરથી પસાર થતા વાહનોના લીધે ગટરના દૂષિત પાણી અહીંથી પસાર થતા રાહદારીઓના કપડાંઓ પર પડી રહ્યા છે. નગરમાં દૂષિત પાણીના યોગ્ય નિકાલના અભાવે સેવા સદનના ગ્રાઉન્ડમાં જમાવડો થતા મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગો ફાટી નીકળવાની પણ દેશ જોવાઇ રહી છે. વધુમાં અત્રેથી સ્કૂલે જતા બાળકો પણ ખતરનાક દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. નગરમાં સુશાસન આપવાની ગુલબાંગો પોકારતી સ્થાનિક વહીવટી તંત્ર પણ નગરજનોને પાયાની સુવિધા પૂરી પાડવામાં પાંગળો પુરવાર થયું છે. વધુમાં પંચાયત અને તાલુકા ના અધિકારીઓ પણ નગરમાં પડતી સમસ્યાઓ અંગે મૌન સેવી લેતા નગરજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે નવરચિત સંજેલી તાલુકામાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પંથકના છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ તારીખ વહીવટી તંત્ર નગરજનોને પાયાની સુવિધાઓ પૂરી પાડે તેવી લાગણી તેમજ માંગણી પંથકવાસીઓમાં વહેતી થવા પામી છે.