જાબીર શુક્લા :- પીપલોદ
કાયદાનું પાલન અમારી કટિબદ્ધતા અને ઝીરો ટોલરન્સ અમારી ફરજ:- ગૃહ રાજ્યમંત્રી શ્રીપ્રદીપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પીપલોદ ખાતે રૂ. ૬૭.૭૨ લાખના ખર્ચે તૈયાર નવીન પોલીસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ
૧૬ ગામડાઓના સમાવેશ કરતાં પીપલોદ પોલીસ સ્ટેશનથી જનસલામતીમાં થશે વધારો
દાહોદ, તા. ૯ :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવાનાં ઉપલક્ષમાં યોજાઇ રહેલા નવ દિવસીય સેવાયજ્ઞનાં નવમાં દિવસે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ દેવગઢ બારીયાના પીપલોદ ખાતે રૂ. ૬૭.૭૨ લાખના ખર્ચે તૈયાર નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે. આ પોલીસ સ્ટેશનમાં ૧૬ ગામડાઓનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આ વેળાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોની સુરક્ષા-સલામતી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે દાહોદ જિલ્લાનું આ ૧૮ મું પોલીસ સ્ટેશન જનસુરક્ષામાં સમર્પિત છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે, આજના વિશ્વ આદિવાસી દિવસે દાહોદમાં પીપલોદ પોલીસ સ્ટેશન અને દૂધામલી આઉટપોસ્ટનું લોકાર્પણ કર્યું છે ત્યારે મને એ કહેતા ગર્વ થાય છે કે દાહોદમાં પોલીસ રહેણાંક-આવાસના રૂ. ૧૦૦ કરોડથી વધુના કામો પોલીસકર્મીઓની સુવિધાઓમાં વધારો કરશે. દાહોદ જિલ્લામાં પોલીસની માળખાગત સુવિધાઓ વધે તે ખૂબ જરૂરી છે કારણ કે આ સરહદી જિલ્લો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો ઉપરાંત હાઇ વે હોવાથી લુંટફાટ વગેરેને ડામી શકાય તે માટે અહીંની પોલીસ મહેકમ-માળખાગત સહિતની તમામ વ્યવસ્થાઓ વધારીને જિલ્લામાં કાયદો વ્યવસ્થા તેમજ શાંતિ-સલામતી જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતની શાંતિ-સલામતી-સુરક્ષા-કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે જ ગુજરાતે વિકાસની રફતાર જાળવી છે. બદલાયેલી નવી સ્થિતિમાં રાજ્યમાં કાયદો-વ્યવસ્થાના જતન માટે રાજ્ય સરકારે કેટલાંક નવા કાયદાઓ પણ લાવ્યા છે. જેમ કે ચેઇન સ્નેચિંગ કરનારાને ૭ વર્ષની કડક જેલની સજા, ભોળી દિકરીઓની રક્ષા માટે લવજેહાદનો કાયદો, ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા, ગુંડાનાબુદીનો કાયદો તેમજ પાસાના કાયદામાં પણ સુધારો લાવ્યા છે.
તેમણે જણાવ્યું કે, ગુનેગારો જયારે હાઇફાઇ થયા છે ત્યારે રાજ્યની પોલીસને પણ સ્કીલ અપગ્રેડ કરીને ટેકનોસેવી બનાવી શાર્પ અને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. રાજ્યમાં ૪૯૦૦ પોલીસોને પોકેટ કોપ આપવામાં આવ્યું છે જેમાં ગુનેગારોની તમામ માહિતી હશે. રૂ. ૩૨૯ કરોડને ખર્ચે સીસીટીવીની જાળ બિઝાવવામાં આવી છે. જેથી ગુનો કરીને નાસી છૂટતાં લોકોને પકડી શકાય. દાહોદમાં પણ સીસીટીવીની વ્યવસ્થા ઠેરઠેર કરવામાં આવી છે. દાહોદ નગરના સીસીટીવીને પણ પોલીસ સ્ટેશન સાથે સાંકળવામાં આવ્યા છે. પોલીસ મહેકમ વધારવાથી લઇને માળખાગત સુવિધાઓ-વાહનો વગેરેમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આજના લોકાર્પણ વિશે વિગતવાર વાત કરીએ તો પીપલોદ પોલીસ સ્ટેશન એ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાંથી છુંટુ પાડવામાં આવ્યું છે અને તેમાં ૧૬ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧ પીએસઆઇ, ૪ એએસઆઇ સહિત કુલ ૫૯ નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નેશનલ હાઇ વે પણ પસાર થતો હોય આ વિસ્તારને વધુ સુરક્ષા બક્ષવા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ મોટી ઝરી અને અસાયડી એમ બે આઉટ પોસ્ટ પણ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત ધાનપુરનાં દુધામલી ખાતે નવ ગામોના સમાવેશ કરતી આઉટ પોસ્ટ પણ તૈયાર કરવામાં આવશે અને ૪ પોલીસકર્મીઓની નિમણુંક કરવામાં આવશે. જેનું જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ વેળાએ લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ સુશ્રી ચાર્મીબેન સોની, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતનાં પદાધિકારીઓ તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી તુષારસિંહ બાબા, તેમજ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, લીમખેડા ડીવાયએસપી સુશ્રી કાનનબેન અને અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયાર, અમરસિંહ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા