Friday, 19/04/2024
Dark Mode

દાહોદના બે યુવકો પાસેથી પોપટપુરા હાઈવે ઉપરના વાયરલ થયેલા વીડિયોના પડઘાઓ ગંભીર..ગોધરા શહેર ટ્રાફિક પોલીસના એ બિભત્સ અપશબ્દો સાથે ઉઘરાણા કરનારા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર રાઠોડ અંતે સસ્પેન્ડ..!!

November 21, 2021
        1815
દાહોદના બે યુવકો પાસેથી પોપટપુરા હાઈવે ઉપરના વાયરલ થયેલા વીડિયોના પડઘાઓ ગંભીર..ગોધરા શહેર ટ્રાફિક પોલીસના એ બિભત્સ અપશબ્દો સાથે ઉઘરાણા કરનારા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર રાઠોડ અંતે સસ્પેન્ડ..!!

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદના બે યુવકો પાસેથી પોપટપુરા હાઈવે ઉપરના વાયરલ થયેલા વીડિયોના પડઘાઓ ગંભીર…..-

———————————-

ગોધરા શહેર ટ્રાફિક પોલીસના એ બિભત્સ અપશબ્દો સાથે ઉઘરાણા કરનારા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર રાઠોડ અંતે સસ્પેન્ડ..!!

ગોધરા શહેરની હદ છોડીને બાયપાસ હાઈવે ઉપર ટ્રાફિક ચેકીંગના નામે દાહોદ જિલ્લાના બે યુવકો પાસેથી બિભત્સ ગાળો સાથે ઉઘરાણા કરનાર ગોધરા શહેર ટ્રાફિક પોલીસ તંત્રના પોલીસ કર્મચારી ડ્રાયવર મહેન્દ્રભાઈ રાઠોડની હરકતોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા તપાસો હાથ ધરવાના આપેલા આ આદેશના પગલે પોલીસ કર્મચારી મહેન્દ્રભાઈ રાઠોડની તાત્કાલિક અસરથી એમ.ટી.શાખામાં બદલી કર્યા બાદ મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવતા ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે ગોધરા શહેરમાં ટ્રાફિક નિયમન માટેની ફરજોની “લક્ષમણરેખા ઓળંગી”ને પોપટપુરા હાઈવે ઉપર વાહન ચેકીંગના નામે ઉઘરાણા કરવા ગયેલા ડ્રાયવર પોલીસ કર્મચારી મહેન્દ્રભાઈ રાઠોડની સાથે ગયેલા અને વિડીયોમાં દેખાતા એ ટી.આર.બી.જવાનો સામે પણ હવે શિસ્તભંગના પગલાંનો ભય દેખાઈ રહયો છે.
દાહોદ જિલ્લાના મહેશ પ્રતાપભાઈ મુડેલ રહે.મુડેલ ફળિયાવ(લીમખેડા) અને ચિરાગ બળવંતભાઈ બામણીયા રહે. ડાંગરીયા(દે.બારીઆ) આ બંને યુવકો રિક્ષામાં શાકભાજીના ધરું લઈને પરત જઈ રહયા હતા, ત્યારે તા.૧૭મીના બપોરના રોજ પોપટપુરા બાયપાસ હાઈવે ઉપર વાહન ચેકીંગના નામે ઉભેલ ટ્રાફિક પોલીસ દ્વારા તેઓની રિક્ષા ઉભી રખાવીને પોલીસ ખાતાની વર્દીમાં આ પોલીસ કર્મચારીએ બિભત્સ ગાળો આપીને ૫૦૦ રૂપિયાની માંગ કરતા આ ઉઘરાણાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરીને અમદાવાદ સ્થિત એ.સી.બી.કચેરીના ડાયરેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરતા પોલીસ તંત્રમાં ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો હતો. પોપટપુરા બાયપાસ હાઈવે ઉપર ટી.આર.બી.જવાનો સાથે રાખીને વાહન ચેકીંગના નામે વાહન ચાલકો જાણે કે ગંભીર ગુન્હાના આરોપીઓ હોય એમ બિભત્સ અપશબ્દો સાથેની સ્ટાઈલમાં ઉઘરાણા કરનાર શહેર ટ્રાફિક પોલીસ તંત્રની સરકારી ગાડીના ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર રાઠોડ હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા ગઈકાલે તાત્કાલિક અસરથી એમ.ટી. શાખામાં બદલી કર્યા બાદ મોડી રાત્રે સસ્પેન્ડ કરીને કાયદેસર તપાસો શરૂ કરવામાં આવતા ભોગ બનનારા બે યુવકોને ન્યાય તો મળ્યો જ છે.પરંતુ લગભગ દરરોજ બપોરના ઘરે જઈને જમવાના બદલે શહેર બહાર જઈને હાઈવે ઉપર વાહન ચેકીંગના નામે ઉઘરાણા કરવા ટેવાયેલા આ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રાઠોડના કારનામાઓની ચર્ચાઓ ખુદ પોલીસ કર્મચારીઓમાં બહુચર્ચિત તો છે જ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!