ગરબાડામાં એક મકાનમાં લાગેલી આકસ્મિક આગમાં ગેસ સિલિન્ડર ફાટ્યા, 8 થી 10 લાખનો નુકશાન..
તમામ ઘરવખરી બળીને ખાખ, બાજુમાં આવેલી છત્રછાયા હોસ્પિટલના દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા.
મકાનના આગળના ભાગે આવેલી ગેરેજમાં લાગી આગ, ગેરેજમાં પડેલા ઓઇલથી આગ બની વધુ વિકરાલ.
રાહુલ ગારી:ગરબાડા
દાહોદ તા.૦૪

ગરબાડા નગરના આઝાદ ચોક વિસ્તારમાં છત્રછાયા હોસ્પિટલ નજીક એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.આ સમયે મકાનના આગળના ભાગે ગેરેજમાં પડેલા બે ગેસ સિલિન્ડર ફાટતા ભયંકર વિસ્ફોટ સાથે આગ વધુ વિકરાળ બની હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની તીવ્રતાને કારણે બાજુમાં આવેલી હોસ્પિટલના દર્દીઓને સલામતી માટે બહાર ખસેડવાની ફરજ પડી હતી. સાંજના સમયે બનેલી આ ઘટનામાં મકાનમાં હાજર સભ્યો મંદિરે દર્શન કરવા ગયેલા હોવાથી મોટી જાનહાની બનતા ટળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ગરબાડા નગરના આઝાદ ચોકમાં આવેલા મનુભાઈ ખુશાલભાઈ હાડા તેમના મકાનમાં આગળના ભાગે ગેરેજ ચલાવતા હતા. ગઈકાલે સાંજે અંબે માનો જન્મદિવસ હોવાથી ઉપરોક્ત મનુભાઈ હાંડા તેમજ તેમનો પરિવાર સાંજના સમયે અંબેમાના દર્શન કરવા મંદિરે ગયો હતો તે દરમિયાન પાછળથી મકાનના આગળના ભાગે આવેલા ગેરેજમાં ઓચિંતી આગ લાગી હતી. કોઈ કંઈક સમજે તે પહેલા ગેરેજમાં પડેલા ઓઇલના કારણે આગ વધુ વિકરાળ બની હતી. આ સમયે ગેરેજમાં પડેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભયંકર વિસ્ફોટ સાથે આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. વિસ્ફોટની સાથે ભેગા થયેલા આસપાસના લોકોએ સૌપ્રથમ બાજુમાં આવેલા છત્રછાયા હોસ્પિટલમાં દાખલ પાંચથી છ દર્દીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ સમયે ઘટના સ્થળે હાજર સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ વિકરાળ બનતા તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગને કારણે મકાનમાં રહેલી તમામ ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેનાથી મકાન માલિકને અંદાજે આઠથી દસ લાખ રૂપિયા નું આર્થિક નુકસાન થયું છે.સદનસીબે આગના બનાવ સમયે પરિવારના તમામ સભ્યો બહાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
