
રાહુલ ગારી :- ગરબાડા
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.. 2000 રૂપિયાની લોનની લાલચમાં યુવકે 30 હજાર રૂપિયા ગુમાવ્યા…
whatsapp લિંક મારફતે ₹2,000 ની લોન મેળવ્યા બાદ હે કરે મોબાઈલ ફોનના તમામ ડેટા ચોરી કર્યા: મોબાઈલ ના ફોટા અશ્લીલ બનાવી વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી પૈસા પડાવ્યા…
ઓનલાઇન ઠગીના શિકાર થયેલા યુવકે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો.
દાહોદ તા.07
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો ગરબાડા પંથકમાં બનવા પામ્યો છે. જેમાં 2000 રૂપિયાની લોન મેળવવા લાલચે ઓનલાઇન ઠગીનો શિકાર થઈ 30,000 ગુમાવ્યાનો વારો આવ્યો છે.આખરે સાઇબર ક્રાઇમ નો ભોગ બનેલા આ યુવકે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ગામનો 21 વર્ષીય યુવક પરમાર અનિલભાઈ માજુરભાઈ whatsapp ની લીંક ના માધ્યમથી ઓનલાઇન ઠગીનો શિકાર બન્યો છે જેમાં ટૂંક સમય પહેલા અનિલભાઈ ને whatsapp ની લીંક મળી હતી જેમાં 2000 રૂપિયાની લોન મંજૂર થઈ હોવાનું મેસેજ મળ્યો હતો. 2000 રૂપિયાની લોન મેળવવાની લાલચમાં આવેલા અનિલભાઈએ whatsapp ની લીંક ક્લિક કરતા સામેથી allow આવતા તેમણે all allow કરી દીધું હતું. ત્યારબાદ તેમના ખાતામાં સીધા 2000 રૂપિયા જમા થઈ ગયા હતા. પણ અનિલભાઈને ક્યાં ખબર 2000 રૂપિયાની લાલચમાં તેઓ સર્વસ્વ ગુમાવી બેઠા છે. સામે બેઠેલા હેકરે અનિલભાઈ ના ફોનમાં નો તમામ ડેટા સ્કેન કરી લીધા હતા. ત્યારબાદ અનિલભાઈએ ₹2,000 ની લોન ત્રણ દિવસમાં ચૂકતે કરી દીધી હતી. ત્યારબાદ ચોથા દિવસે હેકર દ્વારા તેમની ગેલેરીમાં લીધેલા ફોટા મોર્ફ કરી તે ફોટા ને અશ્લીલ બનાવી તેમના કોન્ટેક નંબર ઉપર મોકલવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. અવારનવાર વોઈસ મેસેજ દ્વારા પૈસાની માંગણી કરી અનિલભાઈ ને માનસિક ત્રાસ આપવાની શરૂઆત થઈ ચૂકી હતી. આખરે આ હેકરના ચુંગાલમાં ફસાયેલા અનિલભાઈએ તબક્કાવાર હેકરના બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલવાનું શરૂ કર્યું અને લગભગ 30,000 જેટલી માતબર રકમ સામે છેડે બેઠેલા હેકરે અનિલભાઈ પાસેથી ખંખેરી લીધા હતા. તે બાદ પણ પૈસાની માંગણી ચાલુ રહેતા હેકરના માનસિક ત્રાસથી વાજ આવેલા અનિલભાઈ આખરે સાયબર ક્રાઇમ નો ભોગ બન્યા હોવાનું અહેસાસ થતાં તેઓએ સાયબર ક્રાઇમ શાખાનો સંપર્ક કરી ઓનલાઇન કમ્પ્લેન રજીસ્ટ્રેશન કરાવી હતી. હાલ આ મામલે સાયબર ક્રાઇમ ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખની છે કે 21 મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ ક્રાંતિ તો થઈ છે પરંતુ તેની સાથે સાથે તેના દુરુપયોગ પણ ખૂબ જ વધ્યા છે ઓનલાઇન બિઝનેસની આ દુનિયામાં કેટલાય ધુતારા ઠગો સામાન્ય માણસને શિકાર બનાવવા માટે અવનવા કિમીયા અજમાવી બિન્દાસ પણે સાયબર ક્રાઇમના ગુના ને અંજામ આપવામાં સફળ રહે છે. જેને પકડવા ખૂબ જ મુશ્કેલ હોય છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિ પ્રમાણે અનિલ પરમાર જેવા નાનકડા ખોબલા જેવા ગ્રામ્ય વિસ્તારના યુવક ઓછી જાણકારી ના અભાવે 2000 રૂપિયાની લોનની લાલચમાં સાઇબર ક્રાઇમ નો શિકાર થયા અને 30000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો તેમજ માનસિક ત્રાસ સહન કર્યો તે તો જુદુ એટલે એટલે ડિજિટલ ક્રાંતિની આ દુનિયામાં આવા લાલચુ જાહેરાતો તેમજ મેસેજ અંગે બેંકમાં જઈ ખરાઈ કર્યા બાદ જ ક્લિક કરવું જોઈએ તે જનહિતમાં છે.
નોંધ :- Dahod Live માં પ્રકાશિત થયેલા સમાચાર કોપી કરવાએ “COPY RIGHT “એક્ટ મુજબ ગુનો બને છે..