બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના માધવામાં મજૂરી કામે થી પરત ફરતાં શ્રમિકો ભરેલો ટેમ્પો પલટી ખાતા 15 વર્ષીય કિશોરીનું મોત*
*ટેમ્પો ચાલકની બેદરકારીથી સર્જાયેલી દુર્ઘટનામાં ચાલક સામે ગુનો દાખલ કરાયો*
સુખસર,તા.03
ફતેપુરા-સુખસર તાલુકામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો વધતા જઈ રહ્યા છે. જેમાં કેટલાક નિર્દોષ લોકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે જ્યારે કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના માધવા ગામે ટેમ્પો ચાલકની બેદરકારીથી એક માર્ગ અકસ્માતમાં 15 વર્ષીય કિશોરીનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.મજૂરી કામ કરીને પરત ફરી રહેલા શ્રમિકોથી ભરેલો એક આઈસર ટેમ્પો પલટી જતાં આ ઘટના બની હતી.કિશોરી ટેમ્પા નીચે દબાઈ જવાથી તેને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજવા પામ્યું હતું.અકસ્માતમાં કિશોરીનું મોત નીપજતા પરિવારમાં હાહાકાર સાથે દુઃખની લાગણી વ્યાપી જવા પામેલછે
પ્રાપ્ત માહિતી મુજબ 31 માર્ચના રોજ મોટીરેલ ગામના બાબુભાઈ ગલાભાઈ કટારા અને તેમનો પરિવાર બહારગામ મજૂરી કામ અર્થે ગયો હતો.જ્યાં કામ પૂરું કરીને પરત વતન ફરતી વખતે તેઓ આઈસર ટેમ્પો નંબર GJ-23-AW-3548 માં અન્ય શ્રમિકો સાથે આવી રહ્યા હતા.ત્યારે
ટેમ્પો ફતેપુરા પંથકના માધવા ગામના ઢાળ પરથી પસાર થઈ રહ્યો હતો. ચાલક રાજુભાઈ ચાઉલભાઈ ચારેલે રહે.મોટા બોરીદા ના ઓ એ પોતાના કબજાના વાહન ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો.ટેમ્પો ગફલતભરી રીતે હંકારી ઢાળ ચડાવતી વખતે અચાનક પાછળની તરફ ઉથલી પડ્યો હતો.
ટેમ્પો પલટી જતાં તેના પાછળના ભાગે બેઠેલી બાબુભાઈ કટારાની 15 વર્ષીય પુત્રી કોમલબેન બાબુભાઈ કટારા ટેમ્પાના ઠાઠા નીચે દબાઈ ગઈ હતી.જેથી ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.આકસ્માત બાદ કોમલબેન ને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.જ્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.આ અકસ્માતમાં અન્ય કેટલાક શ્રમિકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચવા પામી હતી.
મૃતક કિશોરીના પિતા બાબુભાઈ કટારાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા ટેમ્પો ચાલક રાજુભાઈ ચારેલ ની વિરુદ્ધમાં બેદરકારીથી ટેમ્પો હંકારી અકસ્માત નોતરી મોત નિપજાવવા બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
