રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બાળકીની છેડતીનો આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયા ઝડપાયો.
પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી
દાહોદ તા.૧૭
દાહોદ શહેરમાં એક માસૂમ બાળકી સાથે શારીરિક છેડતીની ઘટના સામે આવી છે. આ મામલે દાહોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
કસ્બા વિસ્તારમાં રહેતા સિદ્દીક ઉર્ફે કાલિયા નામના શખ્સે એક માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી તેની છેડતી કરી હતી. આ ઘટના બાદ ડઘાઈ ગયેલી બાળકીએ હિંમત કરીને પોતાના પરિવારજનોને સમગ્ર આપવીતી જણાવી હતી. દીકરી સાથે થયેલા આ કૃત્યની જાણ થતાં જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તેમણે તાત્કાલિક ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે દાહોદ પોલીસે મામલાની ગંભીરતા સમજી તુરંત ગુનો દાખલ કર્યો હતો. જિલ્લા પોલીસ તંત્રએ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયાનું લોકેશન ટ્રેસ કરી તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રજામાં પ્રશંસા થઈ રહી છે.
