રાહુલ ગારી :- ગરબાડા
*દાહોદમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે ગરબાડા વિધાનસભા પદયાત્રા યોજાઈ*
દાહોદ તા. ૧૭
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં માધ્યમિક શાળા ગરબાડા ખાતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા પદયાત્રા યોજવામાં આવી હતી.

સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો હતો. દીપ પ્રાગટ્ય કરીને શરુ થયેલા આ કાર્યક્રમમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. એમની નેતૃત્વ શક્તિ અને સૂઝ-બુઝને કારણે ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું. સરદાર પટેલ ગુજરાત રાજ્ય માટે ગૌરવનું પ્રતિક છે. વધુમાં તેમણે હાલ સમગ્ર દેશમાં થઇ રહેલ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો. છેલ્લે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર સહિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોરએ લીલી ઝંડી આપીને પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રામાં પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, મામલતદારશ્રી, તાલુકા તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
