સ્માર્ટ સિટીની સ્માર્ટનેશ વરસાદી પાણીમાં ધોવાઈ, સ્માર્ટ રોડ ઉંચા થતા પરિસ્થતિ વિકટ બની. દાહોદમાં છ કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર: જનજીવન અસ્ત વ્યસ્ત.!!

Editor Dahod Live
7 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સ્માર્ટ સિટીની સ્માર્ટનેશ વરસાદી પાણીમાં ધોવાઈ, સ્માર્ટ રોડ ઉંચા થતા પરિસ્થતિ વિકટ બની.

દાહોદમાં છ કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર: જનજીવન અસ્ત વ્યસ્ત.!!

જલવિહાર,ભીલવાડા જળમગ્ન, તંત્રની બેદરકારીથી સ્થાનિકો આક્રોશિત..

મીરાખેડી પાસે નાળુ ધોવાયું, દિલ્હી મુંબઈ કોરિડોરમાં પાણીના નિકાલના અભાવે આસપાસના વિસ્તારો ડૂબ્યા, એકનો રેસક્યુ.

દાહોદ તા.24

દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં આજે મેઘરાજા મન મૂકીને વરસતા એક તરફ ખેડૂતોમાં આનંદ હતો. તો બીજી તરફ સ્માર્ટ સિટી દાહોદમાં માત્ર છ કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટીની સ્માર્ટનેસ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ હતી. એટલું જ નહીં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરીનો સામાન સહિત યાંત્રિક ઉપકરણો ખરાબ થઈ જતા શહેરીજનોની હાલત કફોડી બની હતી. દરમિયાન તંત્રના સત્તાધીશો જળમગ્ન વિસ્તારમાં કામગીરી કરવા જતા લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ગોદીરોડ અંડરપાસ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. સાથે બેઝમેન્ટ વાળી દુકાનો અને પાર્કિંગમાં પાણી ભરાઈ જતા વાહનો અને દુકાનનો માલ સામાન પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે નુકસાન થયું છે. પંથકમાં ફતેપુરાને બાદ કરતા દાહોદ શહેર સહિત આઠ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો આનંદી થયા હતા. તેમજ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીર ની આવક થઈ હતી. અને દાહોદની ઐતિહાસિક દૂધીમતી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી.

દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. ખાસ કરીને સવારના 10:00 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સ્માર્ટ સિટી દાહોદની ધમરોલી નાખ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો, જેવા કે દર્પણ રોડ, તળાવ ફળિયા ભીલવાડા, જલવિહાર સોસાયટી, યસ માર્કેટ, પડાવ અને ઘાંચીવાડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી. દુકાનો મકાનોમાં પાણી ભરાઈ જતા શહેરીજનોને ભારે નુકસાન થયું હતું. છ કલાકમાં દાહોદમાં 185 મીમી, ઝાલોદમાં 46 મીમી, લીમખેડામાં 81 મિલીમીટર, ગરબાડામાં 30,ધાનપુરમાં 55, સંજેલીમાં 78 સિંગવડમાં 66 મિલી મીટર વરસાદ વરસ્યો હતો. જોકે ફતેપુરા કોરૂ ધોકાર જોવા મળ્યું હતું. આ સિવાય દિલ્હી મુંબઈ કોરિડોરના પગલે પાવડી , વસ્તી સહિતના આસપાસના વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વિકટ બની હતી.

*જલવિહાર,ભીલવાડું જળમગ્ન: તંત્ર સામે લોકો આક્રોશિત.*

 દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો.પરંતુ દાહોદ શહેરમાં માત્ર છ કલાકમાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા શહેર જળબંબાકાર બની જવા પામ્યું હતું.ખાસ કરીને દાહોદ શહેરની જલવિહાર સોસાયટી એ પોતાનું નામ આજે સાર્થક કર્યું હતું.જલવિહાર સોસાયટીમાં કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા.તો તેને અડીને આવેલા જ ભીલવાડા વિસ્તારમાં અભુતપૂર્વ રીતે પાણીનો ભરાવો શરૂ થતા ગરીબ આદિવાસીઓ સહિતના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. આ વિસ્તારમાં આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર કે જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પરંતુ વિસ્તારના રહીશોની સતર્કતાના કારણે એમજીવીસીએલએ સપ્લાય બંધ કરી દેતા આ વિસ્તારમાં મોટી હોનારત સર્જાતા બચી જવા પામી હતી.સ્માર્ટ સિટી દાહોદની માર્ગો નિર્માણની સ્માર્ટનેશ આજે એક સાથેના વરસેલા વરસાદે ચકનાચૂર કરી જોકે સ્માર્ટ સિટી અંતર્ગત નિર્માણ પામેલા માર્ગો અને અન્ય પ્રોજેક્ટોને કારણે જો મોટો વરસાદ આવશે તો શહેર જળબંબાકાર બની જશે.અને બેટમાં ફેરવાશે તેવી આશંકા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી હતી. અને તે આજે સાચી પડતી જોવાઈ હતી સદભાગ્યે સવારથી સારું થયેલો વરસાદ સાંજે 4:00 વાગ્યા પછી ધીમો પડતા અને બંધ થતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો ભીલવાડા અને જલવિહાર સોસાયટીમાં તો સત્તાધીશોએ સ્વયં બચાવ કામગીરીમાં જોતરાઉ પડ્યું હતું ત્યારે આ વિસ્તારના લોકોની આ કાયમી સમસ્યાનો હાલ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી

*મોટી હાંડીમાં ભારે વરસાદ: લોકોએ જીવના જોખમે રસ્તો પાર કર્યો.*

દાહોદ જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતાં એકમાત્ર ફતેપુરામાં સામાન્ય વરસાદ વરસમાં પામ્યો હતો .તો જિલ્લાના તમામ તાલુકાઓમાં અને ગ્રામીણ વિસ્તારમાં મેઘા એ પોતાની મહેર આજે જારી રાખી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાની હાંડીમાં બનેલા ગ્રામ પંચાયતની ચૂંટણીના બનાવને પગલે આજે ત્યાં પુનઃ મતદાન યોજાયું હતું.અતિ ભારે વરસાદને કારણે મતદાન કેન્દ્ર સુધી જવામાં લોકોને ઘૂંટણ સમાજ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું તેમ છતાં જીવના જોખમે કોતર પાર કરીને લોકો મતદાન કરવા આજે મતદાન મથક સુધી ઉમટી પડ્યા હતા. અને ઉત્સાહપૂર્વક મતદાનમાં જોડાયા હતા

 

*દાહોદની ઐતિહાસિક દૂધીમતિ બે કાંઠે, મુવાલીયામાં નવા નીર.*

 દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે તમામ ડેમોમાં પાણીની આવક શરૂ થવા પામી હતી તો દાહોદ શહેર મધ્યથી પસાર થતી દૂધીમતી નદી બે કાંઠે વહેતી થતા શહેરીજનો ટોળેટોળા નદીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.કાયમ માટે ગટર રહેતી દૂધીમતી નદી આજે બે કાંઠે વહેતી થતા શહેરીજનોમાં એક પ્રકારનો આનંદ વ્યાપ્યો હતો. તો આસ્થામાં અને ધાર્મિક ભાવથી જોડાયેલા લોકોએ દુધીમતીના કાંઠે શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરી હતી

*સ્માર્ટરોડની સ્માર્ટનેશ ધોવાઈ: બેઝમેન્ટ વાળી દુકાનો અને પાર્કિંગ પાણીમાં ગરકાવ.*

દાહોદ શહેરમાં આમ તો જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હંમેશની રહી છે.પરંતુ જ્યારથી દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે.અને દાહોદ શહેરના સ્માર્ટ રોડના નિર્માણ કાર્ય શરૂ થયા છે ત્યારથી જ આ માર્ગો શહેરની સુંદરતામાં વધારો કરવાને બદલે શહેરની સમસ્યા રૂપ નીવડશે તેવા અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કારણ કે રોડને અડીને આવેલા વિસ્તારો નીચા થઇ જવા પામ્યા છે અને સ્માર્ટ રોડની ઊંચાઈ વધી જતા પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી છે આજે ખાબકેલા આઠ ઇંચ કરતાં વધુ વરસાદે સ્માર્ટ રોડને અડીને આવેલા તમામ નીચાણવાળા વિસ્તારો તેમજ બેઝમેન્ટ વાળી દુકાનોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને જેથી કરીને જે તે સમયે વ્યક્ત કરાયેલા અંધેસા આજે સાચા પડતા નજરે જણાતા હતા જોકે ભૂગર્ભ ગટર અને સ્ટ્રોંમ વોટરની યોજના ને કારણે સદભાગ્ય વરસાદની ગતિ ધીમી પડતા અને પાંચ વાગ્યા પછી સંપૂર્ણ બંધ થઈ જતા કેટલાક વિકસતાઓના પાણી ઉતરી જવા પામ્યા હતા.

તો કેટલાક વિસ્તારોમાં યુદ્ધના ધોરણે થયેલી કામગીરીને કારણે પણ પાણીના સ્તર નીચે લાવવામાં સફળતા પ્રાપ્ત થવા પામી છે.ત્યારે સ્માર્ટ સિટીની સ્માર્ટને આવનારા સમયમાં દાખવવામાં આવે અને આજે મોટા વરસાદે દર્શાવેલો વોર્નિંગબેલ વધુ નુકસાન કરે તે પહેલા જ સમસ્યાનું નિરાકરણ અગાઉથી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં વહેતી થવા પામી છે

Share This Article