
રાજેશ વસાવે :- દાહોદ
*મુંબઈ ખાતે યોજાયેલ મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ અવોર્ડ્સમાં દાહોદના વિકાસ વર્મા નિર્મિત ગુજરાતી શોર્ટ ફિલ્મ ” માવતર ” ને ધ બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ મળ્યો*
*આદિવાસી ગણાતા દાહોદ જિલ્લાનો યુવા વર્ગ હવે સિનેમા ક્ષેત્રે પણ દાહોદનું નામ રોશન કરી રહ્યો છે.*
*દર્શકોને શું ગમે છે એ અંગે વધુ ધ્યાન આપું છું, ફિલ્મ કેટલી કમાણી આપશે એ મારા માટે ગૌણ વિષય છે.-અભિનેતા વિકાસ વર્મા*
દાહોદ તા. 6
માયાનગરી ગણાતા અને સિનેમાનું હબ એવા મુંબઈ ખાતે મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ અવોર્ડ્સ યોજવામાં આવ્યો હતો. જ્યાં બોલીવુડ, હોલીવુડ તથા અનેક કલાકારોનો જમાવડો હોય છે ત્યાં દાહોદનું નામ પણ ગર્વથી ઊંચું કરનાર વિકાસ વર્મા કે જેઓ મૂળ દાહોદના જ વતની છે – રહેવાસી છે, તેઓને ગુજરાતી શોર્ટ ફિલ્મ બનાવવા માટે થઈને ધ બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ મળ્યો છે.
તારીખ ૨૯ મી માર્ચના રોજ મુંબઇમાં લતા મંગેશકર ઓડીટોરીયમમાં ઈન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના અંતર્ગત સીઝન – ૨ ના અનેક કલાકારો જેમકે બોલિવૂડ, હોલિવુડ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડુસટ્રી, આર્મેનિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, તમિલ, તેલુગુ, મલયાલમ, કેરાલીઅન, રાજસ્થાની, મરાઠી, બંગાળી, હરિયાણવી, ઓરિસ્સા તથા ગુજરાતના કલાકારો તથા ટેક્નિશિયન્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યૂસર્સ એક સાથે એક મંચ પર મહારાજા ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન ” માવતર ” ગુજરાતી શોર્ટ ફિલ્મકે જે, દાહોદના વિકાસ વર્મા કૃત હતી, તેને અલગ – અલગ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ શોર્ટ ફિલ્મને, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ સ્ક્રીન પ્લે, બેસ્ટ એક્ટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ઓફ ધ યર એમ મળી અનેકો એવોર્ડ પ્રાપ્ત થયા છે.
કન્યાકુમારી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૩ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. બાંગ્લાદેશ ક્રાઉન ઇન્ટર નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં પણ તેમની “માવતર” ને ૬ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. દાહોદ અનાજ મહાજન સોસાયટી દ્વારા તેમનું ગૌરવ ભેર સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વિકાસ વર્મા હાલ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ગણાતી એક્ટર એસોશિએસન CINTAA માં કમિટીના બોર્ડ ઓફ મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા છે. લગભગ ૩૯ જેટલા કલાકારોમાંથી આ કમિટીના બોર્ડ ઓફ મેમ્બર તરીકે વિકાસ વર્માની પસંદગી થવી એ સમગ્ર ગુજરાત સહિત દાહોદ માટે ગૌરવની વાત છે.
અભિનેતાશ્રી વિકાસ વર્મા વિશે ટૂંકમાં વાત કરીએ તો, શરૂઆતમાં પોતાના વતન દાહોદમાં જ એક લોકલ ન્યુઝ ચેનલ માટે હોસ્ટીંગનું કામ કર્યું હતું. દાહોદ ટેલીવિઝન નેટવર્ક ચેનલમાં એન્કર અને રિપોર્ટર તરીકે થોડો સમય કામ કર્યું. ખરા અર્થમાં તો વિકાસને એન્ટરટેઈનમેન્ટના ક્ષેત્રમાં જ જવું હતું. મુંબઈ ગયા પછી જાણીતા નિર્માત્રી મીના ઘીવાલાની સીરીયલ ‘છૂટાછેડા’ માં વિકાસ વર્માએ પોતાના સિનેમા ક્ષેત્રમાં કરિયરની શરૂઆત કરી હતી.
ત્યારબાદ અન્ય ગુજરાતી સીરીયલો જેવી કે, ” તારી આંખનો અફીણી “, ” સત્તરસો સાઈઠ ” તેમજ ” સાસુમા ” જેવી સીરીયલોમાં પણ ધ્યાનાકર્ષક ભૂમિકાઓ ભજવી. સાથોસાથ ” સાવધાન ઇન્ડિયા “ના અનેક એપિસોડમાં પણ તેમને પોતાનો અભિનય કર્યો હતો. એ સાથે અબાલ વૃદ્ધ સૌની અતિ પ્રિય એવી ” તારક મહેતા કા ઉલટા ચશ્મા ” માં પણ તેમણે અભિનય કર્યો હતો.
આ ઉપરાંત એક ગુજરાતી ફિલ્મના તેઓ નિર્માતા પણ છે જેને ટ્રાન્સ મીડિયા ગુજરાતી સ્કીન એન્ડ સ્ટેજ એવોર્ડ તરફથી વિકાસ વર્માને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. એમની જ નિર્મિત ફિલ્મ ” આવ તારું કરી નાખું ” માં એમણે પોતે અભિનયની એક નાનકડી ઝલક રજૂ કરી હતી. પોતાને સાઈડ કેરેક્ટર તરીકે જ રજૂ કરતા વિકાસ વર્મા જણાવે છે કે, શુટિંગ દરમિયાન મને ઘણા કડવા – મીઠા અનુભવો થયા પરંતુ એ બધામાંથી હું ઘણુ બધું શીખ્યો, જાણ્યો, જયારે હું નિર્માતા બન્યો ત્યારે ખબર પડી કે એક પ્રોજેક્ટ પાછળ કેટલી મહેનત લાગતી હોય છે. હું દર્શકોને શું ગમે છે એ અંગે વધું ધ્યાન આપું છું, ફિલ્મ કેટલી કમાણી આપશે એ મારા માટે ગૌણ વિષય છે. મેં મારી ૨૯ વર્ષની ઉંમરે નિર્માતા તરીકે ફિલ્મ બનાવી હતી, એટલે કે સૌથી નાની વર્ષની ઉંમરના નિર્માતાઓમાં મારું નામ આવે છે.
” માવતર ” ગુજરાતી શોર્ટ ફિલ્મ વિશે જણાવતા તેઓ કહે છે કે, આ ફિલ્મ અમેરિકાના એક ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં સિલેક્ટ થઇ હતી. ‘ટોરન્ટો ફિલ્મ ફેસ્ટીવલ’ માં પણ આ ફિલ્મને શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. તેમજ ૨૦૨૫ ના ચાલુ વર્ષ દરમ્યાન મુંબઈ ખાતે યોજાયેલ મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ અવોર્ડ્સમાં મૂળ દાહોદના અભિનેતા વિકાસ વર્માની ગુજરાતી શોર્ટ ફિલ્મ ” માવતર ” ને ૬ એવોર્ડ મળ્યા જે માટે થઈને મને ઘણી જ ખુશી છે. ઉપરાંત હાલમાં યંગસ્ટર્સમાં ડ્રગ્સ અને આલ્કોહોલનું જે ચલણ વધ્યું છે. એના પર એક હિન્દી શોર્ટ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છું. એ સાથે અન્ય એક ગુજરાતી ફિલ્મ પર પણ વર્ક આઉટ ચાલી રહ્યું છે. મને ફેસ્ટીવલ ફિલ્મ બનાવવામાં વધારે રસ છે.
****