
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ગવાડુંગરા ની પાંચ દિવસથી ગુમ સોળ વર્ષીય કિશોરીની લાશ કૂવામાંથી મળી આવી*
*માતા-પિતા બહાર ગામ મજૂરી કામે ગયેલ હતા દાદા પાસે રહેતી કિશોરી રવિવારથી ગુમ હતી તેની લાશ પાંચ દિવસ બાદ કૂવામાંથી મળી આવી*
સુખસર,તા.13
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન-પ્રતિદિન કમોતના બનાવો નો સિલસિલો ચાલુ રહેવા પામેલ છે.જેમાં વધુ એક બનાવ તાલુકાના ગવાડુંગરા ગામની 16 વર્ષની કિશોરી રવિવારના રોજથી ગુમ હતી.જેની લાશ આજરોજ ગામના કૂવામાંથી મળી આવતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ગવાડુંગરા ગામના મંદિર ફળિયા ખાતે રહેતા દિલીપભાઈ માલ ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવે છે.જેઓની પુત્રી કાજલબેન દિલીપભાઈ માલ (ઉંમર વર્ષ આશરે.16)ની ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી.ત્યારે દિલીપભાઈ માલ તથા તેમના પત્ની બહારગામ મજૂરી કામે ગયેલ હતા. અને ઘરે કાજલબેન દાદા પાસે રહેતી હતી.કાજલબેન ગત રવિવારના રોજ ઘરેથી કોઈને કીધા વિના નીકળી ગઈ હતી.ત્યારે ઘરના સભ્યોએ કાજલબેનના સગા સંબંધીઓ તેમજ પરિચિતોમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી.જ્યારે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં કુવા નજીક આવેલ ખેતરના ઘરના મહિલા સભ્ય કુવા બાજુ જતા દુર્ગંધ આવે તેમ જણાતા કુવામાં નજર કરી હતી. ત્યારે કુવામાં કાંઈક પડેલ હોવાનું નજરે પડતા આ વાત આસપાસના લોકોને કરતા લોકો દોડી આવ્યા હતા. અને કુવામાં જોતા લાશ જોવા મળેલ.આ વાત વાયુવેગે ગામમાં ફેલાઈ જતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા.અને કુવામાં જોતા આ લાશ કાજલબેન માલની હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ આ બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે જઈ લાશનો કબજો મેળવી લાશને સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.
અહીંયા નોંધનીય બાબત છે કે, મૃતક કાજલબેન માલ ખેંચની બીમારી થી પીડાતા હતા તેવું તેમના પરિવારના લોકોને કહેવું છે. ત્યારે કાજલબેનને કુવા બાજુ જવાની જરૂરત કેમ પડી?કુવામાં ખેંચના લીધે અકસ્માતે પડી કે તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે?તેની પોલીસ તપાસ તથા પી.એમ રિપોર્ટ બાદ જ ખબર પડી શકે કેમ જણાઇ રહ્યું છે.