બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધીમાં ગેરકાયદેસર હાઇવે માર્ગની બંને સાઈડોમાં ખડકી દેવાતા દબાણો: પોલીસ તથા તંત્ર મુકપેક્ષક*
*સુખસર બસ સ્ટેશન ઉપર ખાનગી ટુ-ફોરવીલર વાહનોનો જમાવડો, જ્યારે માર્ગની બંને સાઈડમાં હાથલારી પથારા વાળાઓનું સામ્રાજ્ય*
*બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધી હાઇવે માર્ગ ઉપર દબાણોના કારણે મોટી જાનહાની થવાનો ભય*
સુખસર,તા.6
ફતેપુરા તાલુકાના સુખસર ગામ ખાતે મુસાફર જનતા તથા રાહદારી લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.જેમાંએ ખાસ કરીને સુખસરમાં ખાનગી વાહનો જ્યાં ને ત્યાં ખડકી દેવાતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા હોવાનું જોવા મળે છે.જ્યારે રાહદારી લોકો સુખસરમાં આવ્યા બાદ સહી સલામત પરત પોતાના ઘરે પહોંચશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે.જ્યારે પોલીસ તથા લાગતા વળગતા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી નહીં કરી હાઈવે માર્ગ ઉપર દબાણ કર્તાઓને છાવરવામાં આવતા હોય તેવું જણાઈ રહ્યું છે.
જાણવા મળેલ માહિતી મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન ઘેરી બનતી જાય છે.અને જેમાંએ ખાસ કરીને સુખસર બસ સ્ટેશન તથા આસપાસમાં મોટાભાગના ટુ-ફોર ખાનગી વાહનો રસ્તાની સાઈડમાં ખડકી દેવામાં આવતા મુસાફર જનતાને ઉભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી.તેમજ બસ સ્ટેશન ઉપર અનેક લાંબા રૂટ ની અવર-જવર કરતી એસ.ટી બસોને રસ્તા ઉપર ઉભી રાખી પેસેન્જર ઉતારવા-લેવા એસ.ટી ચાલકો મજબૂર બની રહ્યા છે.જોકે એસ.ટી બસ સ્ટેશન અગાઉ ખાનગી મોટર સાયકલ તથા ફોર વ્હીલર પેસેન્જર વાહનો થોડા દિવસો માટે હટાવી દેવામાં આવ્યા હતા.પરંતુ થોડો સમય જતા ફરીથી સ્ટેશન ઉપર વાહનોના ખડકલો ખડકી દેવામાં આવતો હોવાનું જોવા મળે છે.
જ્યારે બીજી બાજુ જોઈએ તો સુખસર એસ.ટી બસ સ્ટેશનથી લઈ આસપુર ચોકડી સુધી હાઇવે માર્ગની બંને સાઈડોમાં હાથ લારી તથા શાકભાજીના વેપારીઓ સહિત સ્થાનિક દુકાનદારો પણ તેમની દુકાનોનો સામાન હાઇવે માર્ગની બંને સાઈડોમાં પાથરી દેતા હોય હાઈવે માર્ગ સાંકડો થઈ રહ્યો છે.અને જેના લીધે રાહદારી લોકો અને વાહન ચાલકો સાથે અકસ્માત થવાનો ભય પણ વધી જવા પામ્યો છે.છતાં પોલીસ તથા લાગતું વળગતું તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન માટે કોઈ પગલાં ભરવામાં આવતા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે.ત્યારે કોઈ મોટી જાનહાની થવાની રાહ જોવે છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?
અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ બસ સ્ટેશનથી આસપુર જતા હાઈવે માર્ગ ઉપર રસ્તાની બંને સાઈડમાં દબાણો ખડકી દેવાતા સાંકડા રસ્તાના કારણે એકટીવા સ્લીપ ખાતા ગાડી ઉપરથી દાહોદના સાસી પરિવારનું કપલ રોડ ઉપર પડી જતા મહિલાના બંને પગો ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા હતા.અને બંને પગ કપાઈ ગયા હતા.છતાં આવા બનાવો ઉપરથી તંત્ર કોઈ બોધ પાઠ લેવા તૈયાર ન હોય તેમ આ હાઇવે માર્ગ ઉપર સબ ચલતા હૈ નીતિ અપનાવાય રહી હોવાનું નજરે જોતા જણાઇ આવે છે. ત્યારે સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધી હાઇવે માર્ગની બાજુમાં ખડકી દેવાતા ખડકલા દૂર કરવામાં આવશે કે કેમ?તે આવનાર સમય જ બતાવશે.