રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં અરજદારોના પ્રશ્નોને કલેક્ટરે સાંભળ્યા, ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના અપાઇ..
દાહોદ તા.28
દાહોદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમા જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા કક્ષાએ મળેલી રજૂઆતોના અરજદારોને રુબરુ સાંભળી પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તેવા હેતુસર મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામા આવી છે, જે સ્વાગત કાર્યક્રમ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત એમ ત્રણ કક્ષાએ આ સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજદાર પોતાની રજૂઆત કરી શકે છે, ત્યારે મહિનાના દર ચોથા ગુરુવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાય છે, જેને લઈને આજે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમા વન અધિકાર અધિનિયમ હેઠળ મંજૂર થયેલ દાવાઓના અધિકાર પત્ર, જંગલની જમીનની ફાળવણી, ૭/૧૨, ૮/અમાં નામ દાખલ કરવાની રજૂઆત તેમજ ગેરકાયદેસર દબાણ દુર કરવા અંગેની રજુઆતને લગતા પ્રશ્નો મળી કુલ 4 જેટલા પ્રશ્નોની રજૂઆતો કલેક્ટર યોગેશ નિરગુડેએ અરજદારો પાસે રૂબરુ સાંભળી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમા અરજદારો તરફથી રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો સંબંધે કલેકટરે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી આ પ્રશ્નોનો સરકારના નિયમોનુસાર નિકાલ કરવા સૂચનાઓ આપી હતી.
દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમ દરમિયાન કલેકટર યોગેશ જોડે દ્વારા જિલ્લાના નાગરિકોને પડતી સમસ્યાઓ તેમજ કોઈપણ કચેરીમાં પોતાની અરજીઓ અથવા રજુઆતોનો નિકાલ ન થતો હોય તો જીલ્લા અથવા તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ રજૂઆત કરવા અપીલ કરી હતી, અને અરજદારોની રજૂઆતોનુ સરકારના નિયમોનુસાર સત્વરે નિકાલ કરવાની હૈયા ધારણા આપી હતી. જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ.પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.