
જીગ્નેશ બારીયા /રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના દેસાઈવાડ સ્થિત રહેણાંક એપાર્ટમેન્ટમાં લાગેલા વીજ મીટરોમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ,
શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી જીઇબીને હજારો રૂપિયાનુ નુકસાન
આગના બનાવના પગલે એપાર્ટમેન્ટની બત્તી ગુલ થઇ, બિલ્ડીંગમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા
દાહોદ તા.૨૧
દાહોદ શહેરના દેસાઈવાડ ખાતે એક એપાર્ટમેન્ટમાં આવેલ વીજ મીટરોમાં એકા એક શોર્ટ સર્કીટના કારણે લાગેલ આગમાં વીજ મીટરો સાથે બોર્ડ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ અંગેની જાણ ફાયર ફાઈટર સ્ટેશનને કરાતાં ફાયરના લાશ્કરો પાણીના બંબા સાથે સ્થળ પર દોડી ગયાં હતાં અને પાણીનો ભારે મારો ચલાવી આગને કાબુમાં લીધી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળ્યાં અનુસાર, દાહોદ શહેરના દેસાઈવાડ ખાતે ગોબરની ગલીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં આજરોજ શોર્ટ સર્કિટના કારણે એપાર્ટમેન્ટના મુખ્ય વીજ બોર્ડમાં આવેલ મીટરોમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. આગને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં સ્તબ્ધતાં વ્યાપી જવા પામી હતી અને જાણવા મળ્યાં અનુસાર, આ આગને પગલે એપાર્ટમેન્ટના ઘણા મકાનોમાં વાઈરીંગ પણ બળી ગયાં હતાં. ઘણા મકાનોના ઉપકરણોને પણ નુકસાન થવા પામ્યું હતું. આગ અંગેની જાણ સ્થાનીક ફાયર ફાઈટર લાશ્કરોને કરવામાં આવી હતી જ્યાં પ્રથમ તો આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવ્યાં બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબેન આ લાગેલ આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ એપાર્ટમેન્ટમાં લાગેલ આગને અને વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
———————–